Site icon Revoi.in

દિવાળીના પખવાડિયા બાદ લીલા શાકભાજીની ધૂમ આવક, ભાવમાં ઘટાડો થતા રાહત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હાલ શિયાળાના પ્રારંભના પખવાડિયાના બાદ પણ ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. હજુ શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઈ નથી. જ્યારે શિયાળું શાકભાજીની આવકમાં વધારો થઈ રહ્યો છે. શિયાળુ શાકભાજીની આવક શરૂ થતા તેના ભાવ ઓછા હોય છે, પરંતુ શિયાળુ શાકભાજીની આવક  પખવાડિયું મોડી શરૂ થઈ છે. એટલે શાકભાજીના જથ્થાબંધ માર્કેટમાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, હજુ છૂટક માર્કેટમાં ભાવમાં ખાસ ઘટાડો જોવા મળતો નથી. પરંતુ આવક વધી હોવાથી છૂટક બજારમાં પણ શાકભાજીના ભાવમાં ઘટાજો થશે તે નક્કી છે.

અમદાવાદના કાળુપુર અને એપીએમસી સહિત શાખભાજીના જથ્થાબંધ માર્કેટમાં શાકભાજી 80 ટકા આવક લોકલ થઈ રહી છે. માત્ર ટમેટાં બેંગ્લોર અને  મહારાષ્ટ્રથી આવી રહ્યાં છે.  હાલ લોકલ શાકભાજીની આવકને કારણે એ પહેલા કરતા શાકભાજી લાંબો સમય તાજું રહી શકે છે. વેપારીઓના કહેવા મુજબ અત્યારે જે લીલા શાકભાજી આવે છે, તે અમદાવાદના આસપાસના વિસ્તારોમાંથી આવક છે. બીજા રાજ્યમાંથી જ્યારે શાકભાજી આવતા હોય છે તે અહીં બીજા-ત્રીજા દિવસે મળતા હોય છે. તેના બદલે સ્થાનિક આવક શરૂ થાય તો સવારે ઉતારેલું શાકભાજી બપોર સુધીમાં મળી જાય અને તેની હરાજી તે જ દિવસે થઈ જાય છે. સ્થાનિક શાકભાજી આવતા હોવાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઓછો આવતો હોય છે તેથી ભાવમાં સસ્તા પડતા હોય છે.

શાકભાજીના જથ્થાબંધ વેપારીઓએ જણાવ્યું હતું કે, આ વખતે ડુંગળીની ગુણવત્તા સારી રહેશે. સામાન્ય રીતે ડુંગળીનો ભાવ નક્કી નથી હોતો. ક્યારેક એકદમ ઉંચા ભાવ મળે છે.  ખેડૂતોએ મગફળી, કપાસ બાદ ત્રીજા નંબરે ડુંગળીના ઉત્પાદન માટે પસંદગી ઉતારી છે. જોકે ભાવનો અંદાજો અત્યારે લગાવવો મુશ્કેલ છે. હાલ જૂનો સ્ટોક બજારમાં આવી રહ્યો છે. જૂના સ્ટોકનો નિકાલ થયા બાદ ભાવ કેટલા રહેશે તેનો અંદાજો લગાવી શકાય છે. માવઠાની અસર સૌરાષ્ટ્રમાં ડુંગળીના ઉત્પાદન પર પડી નથી. કર્ણાટકમાં વરસાદ હોવાને કારણે આ વખતે ગુજરાતની ડુંગળીની ડિમાન્ડ વધારે રહે અને ખેડૂતોને ભાવ પણ સારા મળે તેવી આશા સેવાઇ રહી છે.