અમદાવાદઃ ગુજરાતભરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જોકે બે દિવસમાં ગરમીમાં થોડો ઘટાડો થયા બાદ હવે તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ગુજરાતમાં આગામી ચાર-પાંચ દિવસ હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચે તો નવાઈ નહી, શહેરીજનોને ગરમીથી બચવા મ્યુનિ.કોર્પોરેશને પણ ગાઈડલાઈન જારી કરી છે. રાજ્ય સરકારે પણ બપોરના સમયે તમામ શહેરોમાં ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાની સુચના આપી છે.
ગુજરાતમાં એપ્રિલ મહિનાથી જ ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો હતો. જ્યારે મે મહિનામાં તો સરેરાશ તાપમાન 40થી 44 ડિગ્રીની વચ્ચે જ નોંધાઈ રહ્યું છે. જોકે છેલ્લા 3-4 દિવસથી ગરમી 2-3 ડિગ્રી ઘટી હતી પરંતુ હવામાન વિભાગે ફરીએકવાર રાજ્યના કેટલાક શહેરોમાં હીટવેવની આગાહી કરી છે. જેમા ખાસ કરીને અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સતત 4-5 દિવસ સુધી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. નોંધનીય છે કે, અમદાવાદમાં 11 વર્ષમાં માત્ર 2016માં જ ગરમીનો પારો 48 ડિગ્રી નોંધાયો હતો જોકે ત્યારબાદ 44 ડિગ્રીથી વધુ ગરમી પડી નથી.
અમદાવાદ શહેરમાં કેટલાક દિવસથી હીટવેવનું જોર ઘટતાં ગરમીથી રાહત રહી હતી. પરંતુ, હવે સોમવારથી 14 મે સુધી ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાશે, જેના લીધે અમદાવાદમાં ફરીવાર ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચશે. આ ચાર દિવસોમાંથી એક દિવસ હિટવેવને લીધે ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે. અમદાવાદમાં ગત 27 એપ્રિલથી 2 મે દરમિયાન હિટવેવથી ગરમીનો પારો 43થી 44 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. શનિવારે અમદાવાદમાં ગરમીનો પારો 41.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધીને 28.4 ડિગ્રી નોંધાયો હતો. 8 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. રવિવારથી ઉત્તર-પશ્ચિમના પવનો શરૂ થયા છે, જેની અસરથી ગરમીનો પારો ઉંચકાશે. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, જે આગામી બે દિવસોમાં મજબુત બનશે. લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે, રણ-સુકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે. જેથી રવિવારથી ગુજરાત-અમદાવાદ ઉપર ગરમ પવનોનો મારો ચાલુ થયો છે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હિટવેવથી ગરમીનો પારો ઉંચકાશે.તેવી શક્યતા છે.