વડોદરા: સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાં માનવ વસતીની જેમ મગરોની વસતીમાં પણ વધારો થઈ રહ્યો છે. ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી જતાં મગરો સોસાયટી, સ્કૂલો અને ઘરોમાં ઘૂસી જતા હોય છે. ત્યારે વાઘોડિયા રોડ પરની એક વસાહતના રહેવાસીઓએ પૂરના પાણીના નિકાલ માટે ગટર ખોલી તો ચાર ફૂટનો મગર બહાર કૂદી પડ્યો. બહાર આવ્યા બાદ તે ડઝનેક લોકોની વચ્ચે ફરતો હતો. રસપ્રદ વાત એ છે કે, સ્થાનિકોએ તેને પકડી લીધો અને વન અધિકારીઓને સોંપી દીધો હતો.
વડોદરા શહેરથી 10 કિમી દુર આવેલા દેના ગામની સરકારી શાળામાં થોડા દિવસ પહેલા વહેલી સવારે એક મગર ઘૂસી ગયાનો બનાવ બન્યો હતો. લગભગ છ ફૂટ લાંબો મગર પ્રાથમિક શાળાના પરિસરમાં ઘૂસી ગયો હતો. બાળકો ક્લાસમાં હાજર નહતા ત્યારે બાદ મગર દેખાતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વન્યજીવન કાર્યકર્તા હેમંત વઢવાણાએ જણાવ્યું હતું કે, શાળાથી અડધો કિલોમીટર દૂર આવેલી વિશ્વામિત્રીમાંથી મગર બહાર નીકળ્યો હશે. તે શાળાના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યો અને દિવસના સમયે વિદ્યાર્થીઓ જ્યાં રમે છે તે મેદાન પર ફરવા લાગ્યો હતો. કેટલાક રખડતા કૂતરાઓએ મગરને જોયો અને ભસવાનું શરૂ કર્યું, જેના પગલે કેટલાક સ્થાનિકો શાળાએ પહોંચ્યા હતા. તેઓએ તાત્કાલિક વનવિભાગને જાણ કરતા વન્યજીવ કાર્યકર્તા પણ સ્થળ પર દોડી ગયા હતા. વઢવાણાએ જણાવ્યું કે, અંધારું હોવાથી અને મગર થોડો આક્રમક હોવાથી રેસ્ક્યુ કરવામાં અમને થોડો સમય લાગ્યો. બાદમાં તેને પકડીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. ગામના સ્થાનિકોએ જણાવ્યું કે જો સવારે મગર શાળાના પરિસરમાં ઘૂસી ગયો હોત તો ભયજનક સ્થિતિ બની હોત. દેના ગામના રહેવાસીઓએ જણાવ્યું કે વિશાળકાય મગર ઘણીવાર વિશ્વામિત્રીમાંથી બહાર નીકળે છે અને નજીકના ખેતરોમાં જોવા મળે છે. વઢવાણાએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન પાણીના સ્તરમાં વધારો થતાં ઘણા મગરો નદીમાંથી બહાર નીકળી જાય છે.(file photo)