ગુજરાતની યુનિવર્સિટીઓને વૈશ્વિક કક્ષાની બનાવવા ચાર વર્ષનો રોડ મેપ તૈયાર કરાશે: શિક્ષણમંત્રી
અમદાવાદઃ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે મંથન કરવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયા ખાતે બે દિવસની સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના કુલપતિઓની બે દિવસીય સંગોષ્ઠિને સંબોધન કરતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની યુનિવર્સિટીઓ ગ્લોબલ રેન્કિગ હાંસલ કરે તે માટે આગામી ચાર વર્ષ માટેનો રોડ મેપ તૈયાર કરાશે. શિક્ષણની સાથે છાત્રોમાં ચારિત્ર્ય નિર્માણ અને ઉમદા નાગરિક બનવાના ગુણ સાથે કૌશલ્યવાન બને તેવા પ્રયાસો રાજ્ય સરકાર કરી રહી છે. આ બે દિવસીય સંગોષ્ઠિમાં રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને આઇક્યુએસી કો-ઓર્ડિનેટરે ભાગ લીધો હતો.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગવી દીર્ઘદ્રષ્ટિથી તૈયાર થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ રાજ્યના વિશ્વવિદ્યાલયોને વૈશ્વિક કક્ષાએ ગુણવત્તાયુક્ત બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, ગુજરાત શિક્ષણ ક્ષેત્રે સર્વગ્રાહી અને સર્વસમાવેશક પ્રયાસોથી આગળ વધી રહ્યું છે. આપણે છેલ્લા સમયગાળા દરમિયાન જોયું છે કે રાજ્યની યુનિવર્સિટીઓના રેન્કિગમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. રાજ્ય સરકારે શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવવા માટે શ્રેષ્ઠતમ પ્રયાસો કર્યા છે. હવે, શિક્ષણ ક્ષેત્રે પણ ગુજરાત ગ્લોબલ લિડર બને તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતુ કે, ગુજરાતની યુનિવર્સિટીઓ પાસે જોઇતું હોય એવું તમામ પ્રકારનું ભૌતિક સંસાધન ઉપલબ્ધ છે. યુનિવર્સિટીઓમાં ડેટા એનાલિસીસ સંસાધનો, ડેટા કલેક્શન અને નવા સંશોધન માટે હાયર એજ્યુકેશન એન્ડ ટેક્નોલોજી સેન્ટર ઊભા કરવામાં આવશે. આ ઉપરાંત યુનિવર્સિટીમાંથી જ વિદ્યાર્થીઓને નોકરીની તકો મળી રહે તે માટે ઇન્ડસ્ટ્રીઝ લિંકેજ એન્ડ પ્લેસમેન્ટ સેન્ટર બનાવી સ્થાનિક કક્ષાએ યુવાનોને રોજગારી મળી રહે તે માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ પ્રસંગે રાજ્ય મંત્રી કુબેરભાઇ ડિડોરે જણાવ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સમાનતા અને સુલભતાના પાયા પર આધારિત છે. ગુજરાતની યુનિવર્સિટીઓ વૈશ્વિક કક્ષાની બને તે માટે રાજ્યના વિશ્વ વિદ્યાલયો અને મહાવિદ્યાલયોમાં જીએસઆઇઆરએફની શરૂઆત કરવામાં આવી છે. જેના વિવિધ માપદંડો દ્વારા યુનિવર્સિટીઓમાં સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું થયું છે.