Site icon Revoi.in

અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસના વધુ 112 કેસ નોંધાયાઃ સિવિલમાં નવો વોર્ડ ઉભો કરાયો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે બીજીબાજુ મ્યુકોરમાઇકોસિસના કેસો વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ મ્યુકોરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે.  શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં ENT વિભાગમાં બે દિવસમાં 112 જેટલા મ્યુકોરમાઇકોસિસના કેસ નોંધાયા છે. છેલ્લા એક અઠવાડિયામાં 150થી વધુ કેસો ENTમાં સામે આવ્યા છે. સરેરાશ રોજના 35 જેટલા દર્દીઓ આ રોગની સારવાર માટે દાખલ થઈ રહ્યાં છે. સિવિલ હોસ્પિટલની ડેન્ટલ કોલેજમાં પણ 27 દર્દીઓ સારવાર હેઠળ છે. આ રોગના રોજના 10 જેટલા દર્દીઓ ઓપરેશન કરી અને સારવાર કરવામાં આવે છે. અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસ કેસો વધતાં હવે અલાયદા વોર્ડ ઉભા કરવાની પરિસ્થિતિ સામે આવી છે. સિવિલના ENT અને ડેન્ટલ કોલેજમાં 4 જેટલા વોર્ડ ઉભા કરી દેવામાં આવ્યા છે.

સિવિલ હોસ્પિટલના ENT વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે,મ્યુકોરમાઇકોસિસના કેસોની સંખ્યામાં છેલ્લા બે દિવસમાં વધારો નોંધાયો છે. ENT વિભાગમાં 3 જેટલા વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે જે તમામ દર્દીઓથી ભરેલા છે. બીજા નવા વોર્ડ ઉભા કરવામાં આવી રહ્યાં છે. રોજના 5થી 10 કેસોની જગ્યાએ હવે 30થી વધુ દર્દીઓ રોજ દાખલ થઈ રહ્યાં છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં મુખ્યત્વે તમામને કોરોના થયો હોય અને ત્યારબાદ આ રોગ જોવા મળ્યો છે. ઉપરાંત ડાયાબિટીસના અને રોગપ્રતિકારક શકિત ઓછી હોય તેવા દર્દીમાં પણ આ રોગ થયો છે. જ્યાં પણ ફંગસ ઇન્ફેક્શન હોય ત્યાં ઓપરેશન કરી ભાગ દૂર કરી સારવાર કરવામાં આવે છે. મ્યુકોરમાઇકોસિસના કેસોમાં દાંત અને મોંઢાના ભાગે પણ ફંગસ ઈન્ફેક્શન ફેલાય છે. મોંઢામાં, જડબામાં, દાંતમાં જ્યાં ઇન્ફેક્શન જોવા મળે છે એવા દર્દીઓને ડેન્ટલ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે.