રાજકોટ: લગ્ન પ્રસંગોમાં મહેમનોના સ્વાંગમાં બનીઠનીને જઈને ચોરી કરતી મધ્યપ્રદંશના રાયગઢની કડિયાસાસી ગેન્ગને રાજકોટની ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધી છે. અને ગેન્ગના 6 સાગરિતો પાસેથી ₹ 20,00,000 થી વધુનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓની પૂછપરછમાં 44 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં મહત્વની બાબત એ છે કે, આરોપીઓ જે વિસ્તારમાં રહે છે ત્યાં એક સ્કૂલ પણ આવેલી છે. સ્કૂલમાં લોકોને લગ્ન પ્રસંગ અર્થે યોજાયેલા કાર્યક્રમમાં ચોરી કેવી રીતે કરી શકાય તે બાબતની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચએ લગ્ન પ્રસંગમાં મહેમાનોના સ્વાંગમાં આવી ચોરી કરનારી ” કડિયાસાસી ગેંગ” ના 6 જેટલા સભ્યોને ઝડપી લીધા છે. આ સાથે જ પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ₹20,00,000 થી વધુનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓની પૂછપરછમાં આરોપીઓએ 44 જેટલા ગુના આચરવામાં આવ્યા હોવાની કબૂલાત કરી છે. તમામ આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના વતની છે. આરોપીઓ જે વિસ્તારમાં રહે છે ત્યાં એક સ્કૂલ પણ આવેલી છે. જ્યાં તેઓને કઈ રીતે લગ્ન પ્રસંગ અર્થે યોજાયેલા કાર્યક્રમમાં ચોરી કરી શકાય તે બાબતની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. આરોપીઓ પોતાની ફોરવ્હીલર ગાડીમાં પોતાની સાથે સગીર વયના બાળક અથવા બાળકીઓને પોતાના ગામથી લઈને નીકળતા હતા. ત્યારબાદ તેઓ દેશના અલગ અલગ રાજ્યમાં પ્રવાસ કરીને પ્રવાસ દરમિયાન મોટા શહેરોમાં આયોજિત પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ઘુસી જતા હતા.
આરોપીઓ લગ્નને અનુરૂપ કપડાં સહિતના સોના ચાંદીના દાગીના પણ પહેરતા હતા તેમજ પાર્ટી પ્લોટમાં પ્રવેશ કરીને કોઈ કીમતી ચીજ વસ્તુ અથવા તો બેગ જણાય તે બેગ જે તે વ્યક્તિની નજર ચૂકવીને પોતાની સાથે રહેલા બાળકિશોર અથવા કિશોરીઓ દ્વારા ચોરી કરાવવામાં આવતી હતી. જો ચોરી દરમિયાન બાળકિશોર અથવા કિશોરી પકડાઈ જાય તો તેની સાથે રહેલો ગાઈડ તરત જ બાળકથી ભૂલ થઈ ગઈ છે, તેમ કહીને ચોરી કરેલી વસ્તુઓ પરત આપી દેતા હતા. જો કોઈની નજર ન જાય તો ચોરી કરેલી વસ્તુ સાથે કારમાં નાસી જતા હતા. આરોપીઓની મોટાભાગે પ્રવાસ દરમિયાન પોતાની કારમાં જ સુઈ રહેતા હતા.
પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું કે, એમપીની કડિયાસાસી ગેન્ગના સાગરિતોએ રાજકોટ શહેરમાં બે, રાજકોટ ગ્રામ્યમાં એક તેમજ ગુજરાતના અમદાવાદ અને આણંદમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે. આ સાથે જ ભારતના મધ્યપ્રદેશ, રાજસ્થાન મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ દિલ્હી સહિતના રાજ્યોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સોનુ ઉર્ફે દીપક સિસોદિયા, એસ કુમાર સિસોદિયા, વિવેક સિસોદિયા, ઋત્વિક ઉર્ફે કાલા સિસોદિયા તેમજ ગોમતી સિસોદિયા અને કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે કે આરોપી કૃણાલ કુમાર જીતેન્દ્ર કુમારની શોધખોળ ચાલી રહી છે.