વડોદરાઃ રાજ્યના મહાનગરોમાં ઈકોકારના સાયલન્સરની ચોરીના બનાવો વધતા જાય છે. કારણ કે ઈકોકારના સાયલન્સરમાં નીકળી માટી ખૂબજ ઊંચા ભાવે વેચાતી હોવાથી સાયલન્સરની ચોરીના બનાવો વધા રહ્યા છે. જેમાં વડોદરા શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી સક્રીય બનેલી સાયલન્સ ચોર ટોળકીએ પોલીસ તંત્રની ઉંઘ હારમ કરી નાંખી હતી. દરમિયાન શહેર ક્રાઇમ બ્રાંચે ઇકો કારમાંથી સાઇલેન્સરની ચોરી કરતી ગેન્ગના મુખ્ય સાગરિત અને ચોરીના સાયલેન્સર વેચાણ લેનારા બે વ્યક્તિઓ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. સાયલેન્સરની ચોરી કરનારે 32 ઉપરાંત કારમાંથી સાયલેન્સરની ચોરી કરી હોવાની કબુલાત કરી છે. સાયલેન્સરમાંથી નીકળતી માટી બજારમાં ઉંચા ભાવે વેચાતી હોવાની વાત સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
વડોદરા શહેર ક્રાઇમ બ્રાંચના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી ઇકો કારમાંથી સાયલેન્સર ચોરીની વ્યાપક બુમ ઉઠી હતી. અને વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સાયલેન્સર ચોરીની ફરિયાદો દાખલ થઇ રહી હતી. માત્ર ઇકો કારમાંથીજ થતી સાયલેન્સર ચોરીની વધી રહેલી ફરિયાદોને પગલે શહેરમાં ભંગારનો સામાન ખરીદતા, ફોરવ્હિલ રીપેરનું કામ કરનારા ગેરેજો ઉપર વોચ ગોઠવી દેવામાં આવી હતી. ઉપરાંત જે વિસ્તારમાંથી ઇકો કારમાંથી સાયલેન્સરની ચોરી થતી હતી તે વિસ્તારના સી.સી. ટી.વી. ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમ છાણી તરફ પેટ્રોલીંગમાં હતી તે સમયે ઓટો રિક્ષામાં એક વ્યક્તિ સાયલેન્સર લઇને પસાર થઇ રહ્યો હતો. તેને ઉભો રાખી પૂછપરછ કરવામાં આવતા તેણે તેનું નામ અનિલ ધનજીભાઇ ડાભી (રહે. સરદાર પટેલ હાઇટ્સ, છઠ્ઠા માળે, ગોરવા) હોવાનું જણાવ્યું હતું. તેની વધુ પૂછપરછ કરતા તેણે છેલ્લા દોઢ વર્ષમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાર્ક થતી ઇકો કારમાંથી રાત્રિના સમયે 32 સાયલેન્સર ચોરીની કબુલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, રોજ રાત્રે ઓટોરિક્ષામાં નીકળતો હતો. અને જ્યાં ઇકો કાર પાર્ક કરેલી હોય ત્યાં આસપાસમાં કોઇ ન દેખાય ત્યારે સાયલેન્સરની ચોરી કરતો હતો.
પોલીસની વધુ પૂછપરછમાં અનિલ ડાભીએ જણાવ્યું કે, જણાવ્યું હતું કે, ચોરી કરેલા સાયલેન્સર તેણે સિરાજ ગુલામભાઇ શેખ (રહે. વુડાના મકાન, પાણીની ટાંકી રોડ, છાણી જકાત નકા,વડોદરા) અને સલીમ ગુલામનબી ઉર્ફ મફત વોરા (રહે. કોહીનૂર સોસાયટી, ભાલેજ રોડ, આણંદ)ને રૂપિયા 5 હજારમાં વેચી દેતો હતો. ક્રાઇમ બ્રાંચે અનિલ ડાભી પાસેથી ચોરીના સાયલેન્સર સસ્તામાં લેનારા બંને ઓટો ગેરેજવાળાઓની ધરપકડ કરી હતી. અને તેમના ગેરેજમાં પડેલા સાયલેન્સર કબજે કર્યા હતા.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મારુતિ સુઝુકી કંપનીની ઇક્કો કારના સાયલેન્સરમાં વાપરવામાં આવતી માટીની કિંમત ખૂબ વધારે છે. આવા સાયલેન્સર બજારમાં રૂપિયા 50 હજાર સુધીમાં વેચાય છે. ઇકો કારના સાયલેન્સરમાંથી માટી કાઢીને તેઓ ક્યાં વેચતા હતા ? કેટલામાં વેચતા હતા ? માટી લેનાર માટીનો શું ઉપયોગ કરતા હતા ? તે દીશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.