ભાવનગરઃ શહેરના ડી-ડીવીઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ધાતુના વાયર ભરેલી રિક્ષા સાથે બે રીઢા તસ્કરોની અટક કરી હતી. તેની પૂછપરછમાં સિહોરના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી કેબલોની ચોરી કરી હોવાનું નિવેદન આપતા અને ચારીનો ગુનો રેલવેની માલિકીના વિસ્તારમાં બન્યો હોય જે અંગે કેસ રેલવે પોલીસને હવાલે કરતાં રેલવે પોલીસે રીઢા તસ્કરોની ગેંગના પાંચ પૈકી ચાર આરોપીઓની મુદ્દામાલ સાથે ધડપકડ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ડી-ડીવીઝન પોલીસ મથકના જવાનો પેટ્રોલીંગમા હતા તે દરમિયાન એક રિક્ષામાં શંકાસ્પદ હાલતમાં ધાતુના વાયર સાથે બે શખસોને અટકમાં લઈ પ્રાથમિક પુછતાછ હાથ ધરતા તેમણે રેલવેની હદમાથી કેબલ વાયર ચોરી કર્યાંની કેફિયત આપતા ડી-ડીવીઝન પોલીસે રેલવે પોલીસને જાણ કરતાં રેલવે પોલીસે બંને આરોપીઓનો મુદ્દામાલ સાથે કબ્જો મેળવ્યો હતો. આરોપીઓ અયુબ દિલાવર પઠાણ ઉ.વ.35 તથા સમીર ઉર્ફે ટીડો સલીમ ડેરૈયા ઉ.વ.23 (રે.બંને મોતીતળાવ ભાવનગર)ની પૂરપરછ કરી હતી.
કેબલચોરીમાં પકડાયેલા બન્ને આરોપીઓએ જણાવ્યું હતું કે, તેના અન્ય સાગરીતો અનવર શબ્બીર તથા પપ્પુ હસન ગનેજા અને સાજીદ ઉર્ફે ઢઢ્ઢડ સાથે મળી ત્રણ દિવસ પહેલા રિક્ષા લઈને સિહોર રેલવે સ્ટેશન ગયાં હતાં, જયાથી 18 કિલ્લો કોપર વાયરના બંડલ ચોરી કરી ભાવનગર લાવી પપ્પુના ઘરે રાખી કેબલને પ્લાસ્ટિકના કવરથી અલગ કરી વેચવાની પેરવી કરી રહ્યાં હતા. આથી રેલવે પોલીસે અન્ય બે સાગરીત અનવર શબ્બીર તથા પપ્પુ હસન ગનેજાને ઝડપી લીધા હતા, જયાં સમીર ઉર્ફે ઢઢ્ઢડ હાથ લાગ્યો ન હતો, વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે ઝડપાયેલો તસ્કરો રીઢો ગુનેગાર છે અને અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાઈ ચુક્યાં છે આથી પોલીસે રિક્ષા, 18 કિલો કોપરનો વાયર અને કેબલ છોલવાનુ મશીન મળી કુલ રૂ.44,952 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.