કચ્છમાં માંડવીના નાની ખાખર પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં
ભૂજઃ નર્મદા યોજનાથી કચ્છને સારોએવો લાભ મળ્યો છે. નર્મદાના કેનાલ દ્વારા સિંચાઈ માટે પણ સુવિધા આપવામાં આવી છે. નર્મદા કેનાલમાં ગાબડાં પડવાના બનાવો પણ અવાર-નવાર બનતા હોય છે. ત્યારે માંડવી તાલુકાના નાની ખાખર અને મુન્દ્રા તાલુકાના મોટી ખાખર ગામ વચ્ચે આવેલી નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડતાં લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. ભર ઉનાળે પાણીની અછત વચ્ચે વ્યાપક પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો છે.
નર્મદાના પાણી માંડવી અને મુંદ્રા વિસ્તારના મોડકૂબા સુધી પહોંચતા ખેડૂતો માટે આશીર્વાદ સમાન માનવામાં આવતા હતા. પણ કેનાલોમાં ગાબડાં પડવાથી ખેડુતોને નુકસાની પણ સહન કરવી પડે છે. માંડવી તાલુકાના નાની ખાખર અને મુન્દ્રા તાલુકાના મોટી ખાખર ગામ વચ્ચે આવેલી નર્મદા કેનાલમાં શનિવારે બપોરે મોટું ગાબડું પડ્યું હતું. આ ગાબડાના કારણે લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. ભર ઉનાળે પાણીની અછત વચ્ચે વ્યાપક પ્રમાણમાં પાણી વેડફાયું હતું. અગાઉ પણ આ માંડવી-મુન્દ્રા વિસ્તારમાં કેનાલમાં ગાબડા પડ્યા હતા. ત્યારે કેનાલની નબળી કામગીરી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
આ અંગે માંડવી-મુન્દ્રા મત વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે, મોટી ખાખર વિસ્તારમાં નર્મદાનાં કેનાલમાં ગાબડું પડ્યું છે. હાલમાં નર્મદા નિગમના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે. ગાબડું પડતાં પાણીનો પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો છે. પાણી ઓછું થઈ ગયા બાદ કંઈ રીતે ગાબડું પડ્યું તે અંગે તપાસ કરવામાં આવશે. નર્મદા નિગમના અધિકારીઓએ ગાબડું પડવાનું પ્રાથમિક કારણ કેનાલ પાસે આવેલા ખેતરના બોરની પાઈપલાઈન ગણાવી છે. આ પાઈપલાઈન કેનાલ નીચેથી પસાર થઈ રહી હોવાનું કહેવાય છે. (file photo)