તિરુપતિથી રામેશ્વરમ-કન્યાકુમારી જતી સ્પેશિયલ ટ્રેનમાં ગેસ સિલિન્ડર ફાટતા લાગી આગ, 8 લોકોના મોત
દિલ્હીઃ- ટ્રેનમાં અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોવાના સમાચારો સામે આવતા રહેતા હોય છે ત્યારે આજરોજ એક ટ્રેનમાં ગેસ સિલિન્ડર ફાટવાની ભયાનક ઘટના સામે આવી છે જેમાં 8 લોકો જીવતા હોમાયા છે.પ્રાપ્ત વિગત પ્રમાણે તિરુપતિથી રામેશ્વરમ-કન્યાકુમારી જતી સ્પેશિયલ ટ્રેનમાં આગ લાગી હતી. આ ઘટનામાં આઠ મુસાફરોના મોત થયા છે. પેન્ટ્રી કોચમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં બે લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા.
આ ઘટના આજરોજ શનિવારે સવારે બનવા પામી હતી આ આગ લાગવાનું કારણ ગેસનો સિલિન્ડર ફાટ્યો હોવાનું કહેવાય રહ્યું છે.આ ઘટનામાં મોતને ભેંટેલા તમામ લોકો ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. ટ્રેન તમિલનાડુના મદુરાઈ પહોંચવાની હતી.
વઘુ જાણકારી પ્રમાણે ટ્રેન મદુરાઈ રેલ્વે સ્ટેશનથી લગભગ 1 કિમી દૂર ઉભી રહી. પ્રાથમિક તપાસ દર્શાવે છે કે ટ્રેનમાં સવાર શ્રદ્ધાળુઓ દ્વારા ગેસ સિલિન્ડર વડે રસોઈ બનાવવાની પ્રવૃત્તિને કારણે આગ લાગી હતી. એક કમ્પાર્ટમેન્ટમાંથી શરૂ થયેલી જ્વાળાઓ ઝડપથી બાજુના ડબ્બામાં ફેલાઈ ગઈ હતી. આગના કારણે સર્જાયેલી અંધાધૂંધી વચ્ચે મુસાફરોએ તરત જ ટ્રેન ખાલી કરી અને નીચે ઉતરી ગયા.જો કે 8 લોકો મોતને ભેંટ્યા હતા.
આ ઘટનાની જાણ થતાની સાથે જ અગ્નિશામક દળની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મુસાફરોને બચાવ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ લાગ્યા બાદ 60 મુસાફરોએ ડરીને ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.