Site icon Revoi.in

બનાસકાંઠાના દાંતીવાડા ડેમનો એક દરવાજો ક્ષતિગ્રસ્ત બનતા કરોડો લિટર પાણીનો થતો વેડફાટ

Social Share

પાલનપુરઃ દાંતીવાડા ડેમમાંથી રવિ સિઝન માટે ખેડૂતોને પાણી આપવા ખોલાયેલા દરવાજા પૈકી એક દરવાજો ક્ષતિગ્રસ્ત બન્યા બાદ પૂરેપૂરો બંધ ન થતાં જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી ડેમમાંથી બનાસ નદીમાં ૩૦૨ ક્યૂસેક પાણી જઈ રહ્યું છે. દરવાજાને રિપેરિંગ કરવા માટે હવે અમદાવાદથી ટીમને બોલાવવાની તજવીજ હાથ ધરાઈ છે. ડેમના ક્ષતિગ્રસ્ત બનેલા દરવાજાની ત્વરિત મરામત કરવામાં નહીં આવે તો  ડેમ અડધો ખાલી થઈ જશે. ડેમના પાણીનું પ્રેશર એટલું છે કે, અંદર કોઇ સમારકામ કરવા માટે ઉતરવા પણ તૈયાર નથી.

સિંચાઈ વિભાગના સૂત્રોના કહેવા મુજબ  દાંતીવાડા ડેમ ચોમાસા દરમિયાન ભયજનક સપાટીએ પહોંચી જતાં ચાર દરવાજા ખોલી પાણી છોડાયું હતું. જે પછી રવિસિઝનમાં ખેડૂતોની માંગણીને લઇ એક મહિના અગાઉ દરવાજા ખોલી નહેર મારફતે પાણી અપાયુ હતુ. જોકે, બે પિયત માટે પાણી અપાયા પછી ખોલાયેલા દરવાજા પૈકી એક દરવાજો ક્ષતિગ્રસ્ત બન્યો હોઇ પૂરેપૂરો બંધ થતો નથી. પરિણામે દોઢ મીટરની ખુલ્લી જગ્યામાંથી દર એક કલાકમાં 30 કરોડ લીટર પાણીનો બગાડ થઇ રહ્યો છે. વર્તમાન સમયે ડેમના પાણીનું પ્રેશર એટલું છે કે, અંદર કોઇ સમારકામ કરવા માટે ઉતરવા પણ તૈયાર નથી. મંગળવારે ગાંધીનગરની ટેકનિકલ એક્સપર્ટના અધિકારીઓ આવ્યા હતા અને સ્થિતિની ચકાસણી કરી હતી. દરમિયાન અમદાવાદ ટેકનિકલ એક્સપર્ટની ટીમ પણ પહોંચી છે. અને દાંતીવાડા ડેમના ગેટમાંથી જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેને બંધ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે.

સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે, ચોમાસા અગાઉ ડેમનું ઇન્સ્પેક્શન કરી બધા જ દરવાજા ચકાસી પાણી છોડવામાં આવે છે. જોકે, વર્તમાન સમયે ક્ષતિગ્રસ્ત દરવાજાના કારણે બેદરકારી સામે આવી છે. ડેમ પર માત્ર ફિક્સ પગાર આધારિત રોજમદારો ફરજ બજાવી રહ્યા છે. દાંતીવાડા ડેમની વર્તમાન સપાટી 598 ફૂટ છે. જેમાંથી પ્રતિ કલાકે 302 કયુસેક પાણી દરવાજાથી બહાર આવી રહ્યું છે. જો આવી રીતે પાણીનો બગાડ ચાલુ રહેશે તો ડેમ અડધો ખાલી થઇ જવાની શક્યતાઓ છે. (file photo)