Site icon Revoi.in

શિંગોડા ડેમનો એક દરવાજો ખોલાતા ભરઉનાળે નદી બેકાંઠા બની, ખેડુતોને રાહત

Social Share

વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લાના ગીરના જંગલમાં આવેલા શિંગોડા ડેમના દરવાજા ખોલવામાં આવતા ભર ઉનાળે શિંગોડા નદીમાં પુર આવતા ચોમાસા જેવો નજારો જાવા મળ્યો હતો. ડેમનું પાણી નદીમાં છોડાતા ખેડૂતોના કૂવા રિચાર્જ થશે. ખેડુતો સિંચાઈ કરી શકશે તેથી  ઉનાળુ પાકને ફાયદો થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગીર જંગલમાંથી નિકળતી અને કોડીનાર તાલુકામાંથી પસાર થતી શિંગોડા નદીનો પટ થોડા સમય પહેલા પાણી વિના ખાલી ખમ થઈ ગયો હતો. પરંતુ  ચોમાસાની જેમ નવા નીર આવતા લોકો આ નજારો જોવા ઉમટી પડયા હતા. શિંગોડા નદી પર આવેલા કોડીનાર – વેરાવળ હાઈવે પરના બ્રિજ ઉપર મોટી સંખ્યામાં લોકો શિંગોડા નદીને ભર ઊનાળે વહેતી જોવા ઉભા રહી ગયા હતા. સામાન્ય રીતે ચોમાસામાં નદી બેકાંઠે વહેતી જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષે ગીરના શિંગોડા ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો હોવાના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ હતુ. જેથી ભરઉનાળે બંજર દેખાતી નદીમાં ધસમસતું પાણી વહેતુ થયુ હતુ. જેનો સીધો જ લાભ પંથકના 20 થી વધુ ગામોના ખેડૂતોને થશે અને એટલું જ નહીં ગ્રામ્ય વિસ્તારોની પીવાના પાણીની સમસ્યા પણ હલ થશે.

સોરઠ પંથકમાં જોરદાર તાપ અને ગરમી વચ્ચે કુવાઓના તળ પણ નીચા જવા લાગ્યા હતા. કોડીનાર પંથકના ખેડુતો પોતાના ઉનાળુ પાકોને બચાવવા માટે શિંગોડા ડેમ તરફ મીટ માંડી બેઠા હતા. ડેમનું પાણી છોડવામાં આવે તો તેમનો મુરજાતો પાકોને નવું જીવન મળશે. તેવી રજુઆતો પણ કરી હતી. જો કે આખરે ખેડૂતોની માંગણીને ધ્યાને રાખી સિંચાઈ વિભાગ દ્વારા શિંગોડા ડેમનો એક દરવાજો ખોલી દેવાયો હતો. જેના પગલે કોડીનાર પંથકની સુકી બનેલી શીંગોડા નદીમાં પાણી વહેતા થયા હતા. ગીર જંગલમાં આવેલ શિંગોડા ડેમ આમ તો કુદરતી ડુંગરાઓ વચ્ચે પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે ત્યારે શિંગોડા ડેમના પાણીના સંગ્રહથી કોડીનાર તાલુકાની શીંગોડા નદી કાંઠાના 20થી વધુ ગામો અને કોડીનાર શહેર સહિત વિસ્તારોમાં આ પાણી છોડાતા ખેડૂતો અને આમ પ્રજામાં રાહતની લાગણી છે અને આગામી ચોમાસા સુધી અહીં પાણીનું કોઈ સંકટ ઉભો થશે નહીં તેવું જાણકારો જણાવી રહ્યા છે.