Site icon Revoi.in

અમદાવાદમાં રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાશે, ચૂંટણી પહેલા સમાજની તાકાત બતાવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે કરણી સેના અમદાવાદમાં રાજપુત સમાજનું મહાસંમેલન યોજીને સમાજની એકતાની તાકાતના દર્શન કરાવશે. રાજપૂત સમાજનું શક્તિપ્રદર્શન અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાશે.રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવીએ જણાવ્યું હતું કે, દશેરા અને દિવાળીની વચ્ચે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં લાખોની સંખ્યામાં રાજપૂતો ભેગા થઈ પોતાની તાકાત બતાવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  ગુજરાતમાં રાજકીય હોય કે અન્ય ક્ષેત્ર હોય તેમાં રાજપૂત સમાજના લોકો છે પરંતુ તેમની સંખ્યા ઓછી છે. રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં પહોંચી રહી છે. એકતા યાત્રાનો મૂળ ઉદ્દેશ એકતા, સભ્યતા અને સંસ્કૃતિનો છે. રાજપૂત સમાજ પોતાની તાકાત અને એકતા બતાવવા માટે દિવાળી પહેલા આ સંમેલન યોજશે. અમે દુર્ભાગ્યશાળી છીએ કે આઝાદી પછી માત્ર બે રાજપૂતો મિનિસ્ટ્રીમાં છે. અત્યારે દરેક ક્ષેત્રમાં રાજપૂત સમાજનું વર્ચસ્વ ઘટી રહ્યું છે તેથી હવે રાજપૂત સમાજનો દરેક જગ્યાએ તાકાત બતાવવાનો સમય આવી ગયો છે. પદ્માવત ફિલ્મ સમયે રાજપૂતો દ્વારા જે રીતે પોતાની તાકાત બતાવવામાં આવી હતી તે માટે મેદાન ઓછું પડ્યું હતું પરંતુ હવે મેદાન મોટું શોધીશું અને રાજપૂત સમાજની તાકાત બતાવવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજપૂત સમાજ અત્યાર સુધી ચૂપ હતો પરંતુ હવે અમે ચૂપ નહિ રહીએ. દરેક ક્ષેત્રમાં દરેક જગ્યાએ રાજપૂત સમાજની સંખ્યા વધે તેના માટે પ્રયાસો કરી રહ્યા છીએ. મંત્રીમંડળમાં રાજપૂતોની સંખ્યા ઓછી છે. જેટલું રાજપૂતોનું યોગદાન છે એટલી સંખ્યામાં રાજપૂતો પણ હોવા જરૂરી છે. આડકતરી રીતે તેઓ ઈશારો કરતા જણાવ્યું હતું કે, હું કોઈ એક પક્ષને નથી કહેતો. જે પક્ષને રાજપૂત સમાજના લોકોને સાથે રાખવા હોય રાખે બાકી જેને ન રાખવા હોય એ ભોગવે. દરેક પક્ષને મેસેજ આપવા માગું છું કે તમે રાજપૂત સમાજને મહેસૂસ કરો અને જો તમે નહીં કરો તો અમે મહેસૂસ કરાવી દઈશું.