Site icon Revoi.in

અમદાવાદમાં પૂરફાટ ઝડપે રિક્ષાએ અડફેટે લેતા યુવતીનું મોત

Social Share

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ બે અકસ્માતોના બનાવો બન્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં માધવ ચાર રસ્તા નજીક બન્યો હતો. એક યુવતી એક્ટિવા લઈને માધવ ચાર રસ્તા પર ઊભી હતી ત્યારે પૂરફાટ ઝડપે આવેલી રિક્ષાએ યુવતિને અડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જ્યારે બીજો અકસ્માતનો બનાવ શહેરના ઠક્કરબાપાનગરથી ખોડિયારનગર ચાર રસ્તા તરફ જતા રોડ પર બન્યો હતો. જ્યાં બીઆરએસ કોરીડોરમાં રાતના સમયે રોડ ક્રોસ કરી રહેલા યુવાનું અજાણ્યા વાહનની અડફેટે મોત નિપજ્યું હતું.

પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળે છે કે, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં શિવ મંદિર રેસિડન્સીમાં રહેતા જયાબહેન પંચાલ (ઉં.વ.55)ની ત્રણ દીકરીમાંથી મોટી દીકરી મયૂરીનાં લગ્ન થઈ જતા તે સાસરીમાં રહે છે. જ્યારે જયાબહેન બે દીકરી રિયા (ઉં.વ.23) અને યુક્તા (ઉં.વ.22) સાથે રહેતાં હતાં. 22 સપ્ટેમ્બરે બપોરે 2.30 વાગ્યે યુકતા મિત્રોને મળવા ગઈ હતી, પરંતુ રાત સુધી ઘરે પાછી આવી ન હતી. જ્યારે રાતે પોણા બાર વાગ્યાની આસપાસ યુકતાના મિત્ર ઉજ્જવલ મરાઠીનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, રિક્ષાએ એક્ટિવાને ટક્કર મારતાં યુકતાને ગંભીર ઇજા થઈ હતી, જેથી હોસ્પિટલ લઈ જવાઈ હતી. આથી જયાબહેન ત્યાં પહોંચી જોયું તો યુક્તા લોહીલુહાણ હાલતમાં બેભાન હતી. જ્યારે થોડી જ વારમાં ડોક્ટરોએ આવીને તેને મૃત જાહેર કરી હતી, પરંતુ વિશ્વાસ ન આવતા તેઓ યુક્તાને એલજી હોસ્પિટલ લઈ ગયાં હતાં. ત્યાં પણ ડોક્ટરોએ યુકતાને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ થતા આઈ ટ્રાફિક પોલીસ આવી પહોંચી હતી અને રિક્ષાચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે અકસ્માત થતા રિક્ષા પણ ઇલેક્ટ્રિક ડીપી સાથે અથડાઈને રોકાઈ ગઈ હતી.

જ્યારે બીજા અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના ઠક્કરબાપાનગરથી ખોડિયારનગર ચાર રસ્તા તરફ જતા રોડ પર આવેલા બીઆરટીએસ કોરિડોરમાંથી રાતે 8 વાગ્યે રોડ ક્રોસ કરી રહેલા અજાણ્યા યુવકને કોઈ વાહનચાલકે અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું. આ અંગે કોઈ રાહદારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરતા આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ યુવકના શરીર પરથી કોઈ વાહનનું વ્હીલ ફરી વળ્યું હતું, જેથી તેનું માથું છુંદાઈ જવાથી તેનું મૃત્યુ થયું હતું. આ અંગે પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી મૃતક યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.