ઉત્તરપ્રદેશમાં આપઘાતનો પ્રયાસ કરતી યુવતીને AI ની મદદથી બચાવાઈ
- સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને યુવતી આપઘાતનો પ્રયાસ કરતી હતી
- મેટા એઆઈએ આ અંગે તાત્કાલિક પોલીસને એલર્ટ કર્યું
- મેટા એઆઈના મેસેજના પગલે પોલીસ તંત્ર દોડતું થયું હતું
લખનૌઃ યુપીના લખનઉમાં “મેટા એ આઈ” ના એલર્ટના કારણે યુવતીનો જીવ બચાવી લેવાયો છે. યુવતી ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરી ફાંસી લગાવવા જઈ રહી હતી. તે દરમિયાન મેટા એ આઈ એક્ટીવ થયું અને યુપી ડીજીપીના મીડિયા સેલને અલર્ટ કર્યું હતું. યુપી પોલીસે તે જ સમયે સાવધાની દાખવી અને ચાર જ મીનીટમાં યુવતીના ઘરે જઈને તેને આત્મહત્યા કરતા અટકાવી હતી. આ ઘટના નીગોહા પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાયબરેલી રોડ પરના ગામની રહેવાસી ૨૨ વર્ષીય યુવતીએ બપોરે ૧૨.૧૧ વાગ્યે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તે ખુરશી પર ઉભી છે અને આપઘાત કરવા પંખા ઉપર દુપટ્ટો બાંધતા જોવા મળતી હતી. આ વિડીયો પર “મેટા એ આઈ” એક્ટીવ થયું અને તરત જ લોકેશન સ્ટ્રેસ કરી યુપી ડીજીપી હેડક્વાટર મીડિયા સેલ ટીમને એલર્ટ મેસેજ મોકલ્યો હતો. જેથી પોલીસની ટીમ તાત્કાલિક રવાના થઇ અને યુવતીને આપઘાત કરતા રોકી હતી. જ્યાં તેનું કાઉન્સલીંગ કરતા ખબર પડી કે યુવતીએ થોડા સમય પેહલા લવ મેરેજ કરયા હતા, પરંતુ તેનો પતિ તેને સ્વીકારવા તૈયાર થયો ન હતો જેથી કંટાળીને તે આ પગલું ભરવા જઈ રહી હતી.