અમદાવાદઃ શહેરમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રામ નવમીનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. શહેરના તમામ રામ મંદિરોમાં પૂજા-પાઠ હવનનું વિશેષ આયોજન કરાયું છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના ઉપક્રમે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પ્રેમ દરવાજા, દરિયાપુર, શાહપુર તેમજ અલગ-અલગ વિસ્તારમાં થઈને કુલ સાત કિલોમીટર વિસ્તારમાં રામ શોભાયાત્રા નીકળશે. જેમાં અખાડા, હાથી, ઊંટગાડી, ડીજે, ભજન મંડળીઓ અને અલગ-અલગ ટેબ્લો પણ જોડાવાના છે આ રથયાત્રા બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થઈને મોડી સાંજ સુધી ચાલશે. જેમાં હજારો લોકો જોડાશે.
ગુજરાત સહિત દેશભરમાં તા.17મી એપ્રિલને રામનવમીના પર્વના દિને રામ જન્મોત્સવ ધામધૂમથી ઊજવાશે. અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળશે. યાત્રામાં અખાડા, હાથી, ઊંટગાડી, ડીજે, ભજન મંડળી અને અલગ-અલગ ટેબ્લો પણ જોડાવાના છે. આ અંગે બજરંગ દળના ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રમુખ જવલિત મહેતાએ જણાવ્યું હતું કે, યાત્રાની શરૂઆત પ્રેમ દરવાજાના સરયુ મંદિરથી થશે. ત્યારબાદ તંબુ ચોકી જોર્ડન રોડ દિલ્હી ચકલા હલીમની ખડકી શાહપુર ચાર રસ્તા દુધેશ્વર આંબેડકર ચોકી ફાયરબ્રિગેડ માધુપુરા પોલીસ સ્ટેશન પાસે વાટીકા ફ્લેટ ધોબીઘાટ ચાર રસ્તા અને લાલા કાકા હોલ પાસે યાત્રાનો સમાપન થશે. સાત કિલોમીટર જેટલી આ શોભાયાત્રામાં 20 ભજન મંડળી, 10 અખાડા, 20 ઊંટગાડી, વેશભૂષાવાળા બાળકો, 10 ઓપન જીપ, બે હાથી ટેબ્લો બનાવવામાં આવ્યા છે. એની સાથે ત્રણ ડીજે, 30 નાશિક ઢોલ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતની શોભાયાત્રામાં અલગ-અલગ જગ્યાએ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને શ્રીરામના વધામણા કરવામાં આવશે. આ માટે સ્વયંભૂ લોકો જોડાઈ રહ્યા છે અને એક અંદાજે આ યાત્રામાં હજારો લોકો જોડાશે..રામનવમીના દિને સાંજે ત્રણ વાગ્યાથી શરૂ થયેલી યાત્રા મોડી સાંજે પૂરી થવાની શક્યતા છે. શ્રીરામની શોભાયાત્રામાં ખાસ લોકોએ આ વખતે તેમના ઘર પાસેથી યાત્રા પસાર થાય તેવી ઈચ્છા રાખી છે. નિર્ધારિત રૂટ પરથી આ યાત્રા નીકળશે. (File photo)