ગુજરાતના શહેરી વિસ્તારના 35 ધારાસભ્યોને રોડ-રસ્તાની મરામત માટે બે કરોડની ગ્રાન્ટ અપાશે
અમદાવાદ: રાજ્યમાં વરસાદને લીધે તૂટી ગયેલા રોડ-રસ્તાઓની મરામતનું કામ ચાલી રહ્યું છે. બીજીબાજુ શહેરી વિસ્તારોમાં નગરપાલિકાઓ પાસે પુરતી ગ્રાન્ટ ન હોવાથી રોડના કામમાં વિલંબ પણ થઈ રહ્યાની ફરિયાદો ઊઠી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને ધારાસભ્ય દીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના શહેરી મત વિસ્તાર ધરાવતા 35 ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે. મુખ્યમંત્રી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. જેનો તેમણે સકારાત્મક પ્રતિસાદ આપીને આ નિર્ણય કર્યો છે. ચોમાસામાં થોડો ઘણો વરસાદ પડતાં જ રોડ રસ્તાઓની હાલત એટલી ખરાબ થઈ જાય છે, જેને પગલે દર વર્ષે ચોમાસા બાદ રોડનું સમારકામ કરવાની ફરજ પડે છે. આ રસ્તાઓના રિપેરિંગ માટે કોન્ટ્રેક્ટરોને રોડ બનાવવા માટે કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે, પણ કોન્ટ્રોક્ટરો કામમાં બેદરકારી જ દાખવે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે જે સ્થળો પર પાણી ભરાવાની સમસ્યાઓ છે ત્યાં બે મહિના પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરસીસી રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના તમામ સાત ઝોનમાં રૂ.206 કરોડના ખર્ચે કુલ 83 જગ્યા પર આ રોડ બનાવવાનો નિર્ણય કરાયો છે.
ઉલ્લેખની છે કે, ભૂપેન્દ્ર પટેલની સરકાર બન્યા પછી માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ તાત્કાલિક ધોરણે એક વોટ્સએપ નંબર જાહેર કરી રસ્તાઓ સ્વસ્થ કરવાનું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં સરકારને કુલ 30 હજાર ફરિયાદ મળી હતી. જેમાંથી 22 હજાર ફરિયાદનો નિકાલ એટલે રસ્તાઓ પર પેચ વર્ક કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.