અમદાવાદના બોપલ-ઘૂમા વિસ્તારના લોકોએ મ્યુનિના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અનેક પ્રશ્નો રજુ કર્યા
અમદાવાદઃ શહેરમાં બોપલ અને ઘૂમા વિસ્તારનો સમાવેશ કરાયો ત્યારે ત્યાંના સ્થાનિક લોકોમાં હરખ સમાતો નહતો. પણ મ્યુનિ.કોર્પરેશનના પ્રોપર્ટી ટેક્સના બીલો આવતા જ મોં પરથી લોકોનો હરખ ઊડી ગયો છે. અને પ્રોપર્ટી ટેક્સ અંગેની અનેક ફરિયાદો ઉઠતા જેને ધ્યાનમાં રાખીને મ્યુનિ.એ પાંચ વોર્ડના રહિશો માટે દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. ફરિયાદ નિવારણના આ કાર્યક્રમમાં અનેક પ્રશ્નો રજુ થયા હતા જેમાં નામ ટ્રાન્સફર કરાવ્યું હોવા છતાં મ્યુનિ.ના સોફ્ટવેરમાં નથી, સરખા મકાન હોવા છતાં પ્રોપ્રટી બિલની રકમ અલગ અલગ કેમ છે ?, પ્રોપર્ટી ટેક્સ ભર્યો હોવા છતાં બાકી કેમ દેખાડે છે. મહિનાઓ પહેલા વાંધા અરજી આપી હોવા છતા હજુ સુધી નિકાલ કરાયો નથી, નામ ટ્રાન્સફર કરાવ્યા બાદ ફરી બિલ્ડરનું નામ આવી ગયું છે.તેમજ ઘણા લોકોને પ્રોપ્રર્ટી ટેક્સના બિલ મળતા ન હોવાની ફરિયાદ કરી હતી.
શહેરના બોપલ અને ઘુમા વિસ્તારના રહિશો માટે મ્યુનિ,કોર્પોરેશન દ્વારા યોજાયેલા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આબાદનગર, સોબો સેન્ટર, ગાલા જીમખાના રોડ, મેરી ગોલ્ડ સર્કલ અને ક્રિષ્ના શેલ્બી રોડ વોર્ડના લોકોએ ભાગ લીધો હતો. જેમાં કેટલાક ગંભીર પ્રશ્નો સામે આવ્યા હતા, જેમ કે મ્યુનિ.માં સમાવેશ થયા બાદ ટેક્સ ત્રણ ગણો વધી ગયો હોવાની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત ટેક્સના પૈસા ભર્યા હોવા છતાં જમા થયા નહોતા, કોઈ જગ્યાએ માલિકના બદલે બિલ્ડરનું નામ ફરી આવી ગયું હોવાની અનેક ફરિયાદો આવી હતી. મ્યુનિ. તરફથી લોકોના પ્રશ્નોના નિકાલ માટે જે તે અધિકારી કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવ્યા હતા. જોકે ઘણા પ્રશ્નોમાં નિરાકરણ કેટલા સમયમાં મળતે તેવું ન જણાવતા લોકો નાખુશ જણાતા હતા. ગેરહાજર અધિકારીઓને કારણે કેટલાકને 10 દિવસ પછી ઓફિસ બોલાવવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના બોપલ અને ઘુમાં વિસ્તારના નાગરિકો માટે ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં
એક અરજદારે ફરિયાદ કરી હતી કે, ‘નામ ટ્રાન્સફર માટે જૂન 2020માં અરજી કરી હતી પરંતુ હજુ સુધી નામ ટ્રાન્સફર થયું નથી. હવે ફરીથી પ્રોસેસિંગ ફી ભરવા માટે કહેવામાં આવી રહ્યું છે. અન્ય એક અરજદારે એવી ફરિયાદ કરી હતી કે, અમારી સોસાયટી 21 વર્ષ જૂની છે અને મ્યુનિ.માં સમાવેશ થયા બાદ સુવિધામાં કોઈ વધારો થયો નથી પરંતુ અમારા ટેક્સની રકમ બમણી થઈ ગઈ છે. ઉપરાંત અમારી સોસાસટીમાં 40 બંગલા છે એક સરખું બાંધકામ હોવા છતાં કોઈને પ્રોપર્ટી ટેક્સ રૂ.3000 તો કોઈને રૂ.5000નું બિલ મળ્યું છે. આવું કઈ રીતે હોઈ શકે છે. સરખા મકાન હોવા છતાં પ્રોપ્રટી બિલની રકમ અલગ અલગ કેમ છે.