નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો છે. પાંચેય રાજ્યોમાં પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું હોવાથી કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. ચૂંટણીમાં મળેલી હાર પર પાર્ટીએ પરિણામોનું આત્મનિરીક્ષણ કરવા માટે ટૂંક સમયમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે. બીજી તરફ કોંગ્રેસના નારાજ નેતાઓ ફરીથી સક્રિય થયા છે અને 23 નેતાઓનું જૂથ એટલે કે જી-23એ પણ એક બેઠક બોલાવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીએ હરિફ કોંગ્રેસને જોરદાર પછડાટ આપીને છે, આમ પંજાબમાં કોંગ્રેસને સત્તા ગુમાવી છે. પાંચેય રાજ્યોમાં કોંગ્રેસનું ધોવાણ થયું છે. આ પાંચ રાજ્યોમાં કારમી હારને કારણે કોંગ્રેસના 23 નેતાઓનું જૂથ એટલે કે G-23 હવે એક બેઠક યોજવા જઈ રહ્યું છે, જે આગામી 48 કલાકમાં યોજાવા જઈ રહી છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે આ બેઠક વિશે માહિતી આપી હતી. વર્ષ 2020માં કોંગ્રેસના 23 નેતાઓના સમૂહે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. જેમાં CWC સભ્યો, તેના પ્રમુખ અને પક્ષના સંસદીય બોર્ડની ચૂંટણી સહિત અનેક સંગઠનાત્મક સુધારાની માંગણી કરવામાં આવી હતી.
દરમિયાન કોંગ્રેસના મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર પર પાર્ટીએ પરિણામોનું આત્મનિરીક્ષણ કરવા માટે ટૂંક સમયમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે. પાંચ રાજ્યોના પરિણામો કોંગ્રેસ પાર્ટીની અપેક્ષાઓ વિરુદ્ધ આવ્યા છે. અમે લોકોના આશીર્વાદ મેળવવામાં નિષ્ફળ રહ્યા છીએ.