ગીર સોમનાથમાં વનપ્રાણીઓના શિકાર કરતી ટોળકી ઝબ્બે, ફાંસલા અને હથિયાર કરાયા જપ્ત
અમદાવાદઃ ગીર જંગલ વિસ્તારમાં વન્ય પ્રણીઓની સુરક્ષાને લઈને વનવિભાગ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવે છે. દરમિયાન સાવજોની પજવણીની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન ગીર સોમનાથના વેરાવળ રેન્જના સુત્રાપાડા વિસ્તારમાંથી ચાર શિકારીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. તેમની પાસેથી કાચબાની ઢાલ તથા ફાંસલા સહિતના હથિયારો મળી આવ્યાં હતા. પોલીસે આ ટોળકીના અન્ય સાગરિતોને ઝડપી લેવા કવાયત આરંભી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુત્રાપાડાના ધામળેજ નજીકથી ગ્રામજનોએ શંકાના આધારે ચાર વ્યક્તિઓની અટકાવીને તપાસ્યાં હતા. ચારેયની તપાસમાં એક મૃત કાચબાની ઢાલ, વન્ય પ્રાણીઓને ફસાવવાના બે ફાસલા અને છરી, દાતવડા અને દોરી મળી આવી હતી. જેથી ગ્રામનો ચોંકી ઉઠ્યાં હતા. તેમજ વનવિભાગને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. વનવિભાગે લાલુ વાઘેલા, વરજાંગ પરમાર, કનુ સોલંકી અને હસમુખ પરમાર નામના શખ્સોને ઝડપી લઈને વધુ તપાસ આરંભી હતી. આ ઉપરાંત કાચબાના ઢાલ સહિતની વસ્તુઓ જપ્ત કરી હતી. આ ટોળકીએ કેટલાક પ્રાણીઓનો શિકાર કર્યો છે અને તેમની સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના જંગલ વિસ્તારમાં વનપ્રાણીઓની સુરક્ષા માટે વનવિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ સ્થાનિકોમાં વન્ય પ્રાણીઓની સુરક્ષાને લઈને જાગૃતિ ફેલાવવામાં આવી છે. જેથી વન્ય પ્રાણીઓની સુરક્ષાની સાથે આવી શિકારીઓને પણ ઝડપી લેવામાં સફળતા મળે છે.