Site icon Revoi.in

રાજ્યમાં સ્વનિર્ભર એન્જિનિયરીંગ કોલેજોની બેઠકો ભરવા માટે એજન્ટોને અપાતું તગડું કમિશન

Social Share

અમદાવાદઃ રાજ્યમાં એક સમય હતો કે એન્જિનિયરિંગના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં ઊંચા ગુણ મેળવવા પડતા હતા. ત્યારબાદ ઈજનેરી અભ્યાસક્રમો માટેની સ્વનિર્ભર કોલેજોનો ખૂબ વધારો કરાયો અને સાથે બેઠકોમાં પણ વધારો કરવામાં આવતા સ્થિતિ એવી ઊભી થઈ કે દર વર્ષે ઈજનેરીની અનેક બેઠકો ખાલી રહેવા લાગી. બીજીબાજ વિદ્યાર્થીઓમાં પણ સારી કોલેજો કે જેનું પ્લેસમેન્ટ સારૂ હોય તેને બાદ કરતા બાકીની કોલેજોમાં પ્રવેશનો ક્રેઝ ઘટી ગયો હતો. એટલે એન્જિનિયરિંગ કોલેજોના સ્વનિર્ભર સંચાલકોએ વિદ્યાર્થીઓને આકર્ષવા માટે એજન્ટોનો સહારો લેવા પડ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની એન્જિનિયરીંગની 50 ટકા જેટલી બેઠકો દર વર્ષે ખાલી રહે છે એ જગજાહેર બાબત છે. એન્જિનિયરીંગ પ્રત્યે વિદ્યાર્થીઓનો રસ ઘટી રહ્યો છે. કારણ કે અનુભવોને આધારે એવી છાપ ઉપસી છે કે એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને ઉચિત પગારધોરણ મળતા નથી. આ બધા વચ્ચે એન્જિનિયરીંગની યુનિવર્સિટી અને ખાનગી કોલેજોની હાલત કફોડી થાય છે અને વિદ્યાર્થીઓને આકર્ષવા માટે રીતસરની ખેંચાતાણી થઈ રહી છે. મામલો ત્યાં સુધી પહોંચ્યો છે કે સંસ્થાઓ તરફથી એજન્ટોને વિદ્યાર્થી દીઠ પાંચ હજારથી પંદર હજાર રૂપિયા સુધીનું તગડું કમિશન આપવામાં આવી રહ્યું છે.

એકાદ સંસ્થાએ તો આ રીતે વધુ વિદ્યાર્થીઓના એડમિશન મેળવવા કાયદેસરના કરાર કર્યા છે. નોંધપાત્ર બાબત છે કે રાજ્યમાં એન્જિનિયરીંગની કુલ 80 હજારથી વધુ બેઠક છે જેની સામે સરકારી, ખાનગી મળી 112 કેલેજો આવેલી છે. જેમાં દર વર્ષે 40 હજાર આસપાસ સીટ ભરાય છે. આમાંથી ઘણી કોલેજોને ગણ્યાં ગાંઠયા વિદ્યાર્થી મેળવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. અને બે-ચાર વર્ષમાં આવી સંસ્થા બંધ થઈ જાય તેવી સ્થિતિ થઈ છે. જેથી વિદ્યાર્થીઓની સંખ્યા મેળવવા સંસ્થાઓ હવે મરણીયા થઈ છે અને એજન્ટોને કામે લગાડી રહી છે.

એન્જિનિયરીંગ ક્ષેત્રના સિનિયર પ્રોફેસરે જણાવ્યું હતું કે આમ તો આવો ખેલ ઘણા વર્ષોથી અન્ડરગ્રાઉન્ડ ચાલી રહ્યો છે. પરંતુ હવે હાલત એવી થઈ છે એ આવી નીતિ-રીતી ખુલીને સામે આવી રહી છે. પરંતુ આને કારણે ઘણી વખત વિદ્યાર્થી  ખોટી સંસ્થામાં પ્રવેશ મેળવીને ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ખડો કરી લેતા હોય છે. શિક્ષણ જગત માટે આ આદર્શ ન હોઈ શકે. રાજકોટની એક પ્રતિષ્ઠિત એન્જિનિયરીંગ કોલેજના પ્રોફેસરે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રમાં  પ્રવેશ સામે એજન્ટને કમિશન આપવાની રીત-રસમ નૈતિક રીતે યોગ્ય ન કહેવાય. ઘણા ખાનગી ટયુશન ક્લાસીસ, કોચીંગ ક્લાસીસ સાથે એન્જિનિયરીંગ કેલેજોની સાંઠગાંઠ હોય છે. અને આવા ક્લાસીસમાં શીખવા જતા વિદ્યાર્થીઓને શિક્ષક કે સંચાલક ચોક્કસ કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા ભલામણ કરે છે. જેના આધારે તેમને પ્રવેશ દીઠ પાંચ હજારથી પંદર-વીસ હજાર રૂપિયા ચુકવવામાં આવે છે. ગામડાંના વિદ્યાર્થીઓ આવી વાત તરત માની લે છે. કારણ કે ઘણી વખત તેમના માતા-પિતાને ધો. 12 પછી એનિઁજનીયરીંગની સારી-નરસી સંસ્થાઓ વિષે પુરતી માહિતી હોતી નથી અને વિદ્યાર્થીઓ શિક્ષકના દોરવાયા પ્રવેશ મેળવે છે.