ગુપ્તકાશી: સેરસીથી કેદારનાથધામ જઈ રહેલું હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બનતાં-બનતાં રહી ગયું હતું. આ હેલિકોપ્ટરનું રોટર અચાનક ખરાબ થઈ ગયું હતું જેથી મોટી દુર્ઘટના સર્જાઈ હોત. પરંતુ પાયલોટની સમજદારીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હેલિકોપ્ટરમાં સવાર છ મુસાફરો અને પાયલોટ સુરક્ષિત છે. આ હેલિકોપ્ટર ક્રિસ્ટલ એવિએશનનું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, હંમેશની જેમ આ હેલિકોપ્ટર સવારે 7:30 વાગ્યે 6 મુસાફરો સાથે કેદારનાથ ધામ માટે રવાના થયું હતું. કેદારનાથમાં હેલીપેડથી માત્ર 100 મીટર પહેલા હેલિકોપ્ટરનું રોટર ખરાબ થઈ ગયું હતું. પાયલોટે ધીરજ અને સમજદારી બતાવી અને હેલિકોપ્ટરને કાચી માટીમાં ઉતાર્યું હતું. માહિતી મળતાની સાથે જ વહીવટીતંત્રે તમામ હેલીકોપ્ટર સેવાઓ થોડા સમય માટે બંધ કરી દીધી હતી. આ અંગે તપાસ માટે તપાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
આ વખતે કેદારનાથ ધામ માટે નવ હેલીકોપ્ટર સેવાઓને મંજૂરી આપવામાં આવી છે. એવો આક્ષેપ છે કે તમામ હેલી સેવાઓ DGCA અને UCADAના ધોરણોથી વિપરીત ચલાવવામાં આવી રહી છે. ના તો કંપનીઓ હેલીકોપ્ટર સેવાના ધોરણોને અનુરૂપ ઊંચાઈ જાળવી રહી છે અને ના તો તેઓ સલામતીના ધોરણોનું પાલન કરી રહી છે. મુસાફરોને જૂના હેલિકોપ્ટરમાં બેસાડીને કેદારનાથ ધામની યાત્રા કરાવવામાં આવે છે. નિયમો મુજબ, રોટર બંધ ન થાય ત્યાં સુધી ના તો યાત્રાળુઓને બહાર કાઢવામાં આવે છે કે ના તો મુસાફરોને અંદર જવા દેવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ચારધામની યાત્રા ચાલી રહી છે. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી રહ્યાં છે.