શ્રીનગરઃ શિવખોડીથી દર્શન કરીને પરત ફરી રહેલી શ્રધ્ધાળુઓની બસ પર આતંકવાદીઓએ હુમલો કરી દેતા નવ શ્રધ્ધાળુઓના મોત નિપજ્યા હતા. જોકે હવે શિવખોડી જવા માગતા યાત્રિકો માટે ખુશખબર એ છે કે હવે આ રુટ પર યાત્રિકો માટે ખાસ હેલિકોપ્ટર સેવા શરુ થઈ શકે છે.
શિવખોડીથી પરત ફરી રહેલી બસ પર આતંકવાદીઓએ હુમલો કરતા નવ શ્રધ્ધાળુઓએ તેમના જીવ ગુમાવ્યા હતા. જોકે હવે યાત્રિકો સાથે આ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ તરફથી પ્રયાકો શરુ કરવામાં આવ્યા છે. જેના ભાગરુપે બોર્ડ તરફથી યાત્રાળુઓને મોટી ભેટ મળી શકે છે. બોર્ડ તરફથી કટરાથી શિવખોડી રુટ પર હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરવા માટેનું આયોજન વિચારાઈ રહ્યુ છે અને આ માટે બોર્ડ તરફથી પ્રયાસો પણ શરુ કરી દેવાયા છે.
આગામી 25 જૂનના રોજ જમ્મુ એરપોર્ટથી સીધા માતા વૈષ્ણોદેવી ભવન સુધી હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે. આવા સંજોગોમાં આ જ સેવાને વધુ આગળ વધારીને શિવખોડી સુધી લંબાવવામાં આવે તેવા પ્રયાસો બંને બોર્ડ તરફથી શરુ કરાયા છે. જમ્મુથી ચોપરમાં માતા વૈષ્ણોદેવી ભવન પહોંચનારા શ્રધ્ધાળુઓને શિવખોડીની પવિત્ર ગુફામાં બિરાજમાન ભોલેનાથના દર્શન કરાવવાનો લાભ મળે તે માટે બોર્ડ તરફથી આયોજન કરાઈ રહ્યુ છે અને ટૂંક સમયમા જ આ સેવાની જાહેરાત કરાય તેવી સંભાવના છે. વૈષ્ણૌદેવી મંદિરે દર્શન કરવા માટે દર વર્ષો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. તેમની સુરક્ષાને લઈને સતત પગલા લેવામાં આવી રહ્યાં છે.