અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14મી માર્ચથી પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. બોર્ડની પરીક્ષાને લીધે ઘણાબધા વિદ્યાર્થીઓમાં ડર રહેતો હોય છે. તેના લીધે વિદ્યાર્થીઓ હતાશા અનુભવતા હોય છે. આવા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપીને મદદરૂપ થવા શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 1લી માર્ચથી હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે. આ હેલ્પલાઈન પર વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ અને સ્કુલો પણ માર્ગદર્શન મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હેલ્પલાઈન પર એકસપર્ટ કાઉન્સેલર અને સાયકોલોજીસ્ટ માર્ગદર્શન આપશે. આ હેલ્પલાઈન પરીક્ષા પૂર્ણ થાય તે દિવસ એટલે કે 29 માર્ચ સુધી કાર્યરત રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12 સાયન્સ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ દરમિયાન યોજાશે. પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને હવે બોર્ડ દ્વારા આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની હોલ ટીકીટ પણ ઈસ્યુ કરવામાં આવશે. પરીક્ષાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી શરૂ થતી પરીક્ષા માટે 1 માર્ચથી જ હેલ્પ લાઈન શરૂ કરવાનું નકકી કર્યું છે. ધો.10 અને 12 ની પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ તેમજ શાળા પણ આ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 5500 પરથી માર્ગદર્શન મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હેલ્પલાઈન સવારનાં 10 વાગ્યાથી સાંજના 6-30 વાગ્યા સુધી ચાલુ રહેશે જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને પોતાની મુંઝવણો વિશે માહિતી મેળવી શકશે. ઉપરાંત પરીક્ષાનો હાઉ દુર કરવામાં પણ સાયકલોજીસ્ટ વિદ્યાર્થીઓ મદદ કરશે. આ ઉપરાંત વાલીઓ અને સ્કુલોને પણ પરીક્ષાને લઈને ઉદભવતા પ્રશ્નોનું હેલ્પલાઈન પરથી નિરાકરણ મળશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.