- નેતાજીની જન્મજયંતિ ઉજવણીની તૈયારીઓ શરૂ
- પીએમની અધ્યક્ષતામાં કમિટીની રચના
- કોલકતામાં હાજર રહેશે વડાપ્રધાન મોદી
- આ કાર્યક્રમો 23 જાન્યુઆરીથી થશે શરૂ
- સંસ્કૃતિ મંત્રાલયે આપી આ અંગે માહિતી
દિલ્લી: દેશ આ વર્ષે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યું છે. જેને લઈને સરકારે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંગે સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે,જેની અધ્યક્ષતા પીએમ નરેન્દ્ર મોદી કરશે.
સંસ્કૃતિ મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી. સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી માટે આ કમિટીની રચના કરવામાં આવી છે. આ ઉચ્ચ સ્તરીય કમિટી 23 જાન્યુઆરી 2021થી શરૂ થતાં એક વર્ષના સ્મરણ પ્રસંગ માટે બનાવવામાં આવેલી પ્રવૃત્તિઓ નક્કી કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ ઉજવણી પ્રસંગે બંગાળમાં ઉપસ્થિત રહેશે. પીએમ નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરીએ કોલકતાના એતિહાસિક ‘વિક્ટોરિયા મેમોરિયલ હોલ’થી નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ ઉજવણીની શરૂઆત કરશે. કોરોના મહામારી વચ્ચે પીએમ મોદીની આ પહેલી કોલકતા મુલાકાત હશે.
આ કમિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત રાજનાથ સિંહ,અમિત શાહ,મમતા બેનર્જી,જગદીપ ધનકડ,મિથુન ચક્રવર્તી,કાજોલ અને એઆર રહેમાન સહિત 84 લોકોને સામેલ કરવામાં આવ્યા છે.નેતાજીની 125 મી જન્મજયંતિ નિમિત્તે બનાવવામાં આવેલી આ સમિતિમાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી અને ટીએમસીથી બીજેપીમાં આવેલ શુભેંદુ અધિકારીને પણ સામેલ કરવામાં આવ્યા છે.
કમિટીના સભ્યોમાં પ્રતિષ્ઠિત નાગરિક,ઇતિહાસકાર,લેખક,નિષ્ણાત, નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારના સભ્યો તેમજ આઝાદ હિંદ ફોજ સાથે સંકળાયેલા જાણીતા વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
-દેવાંશી