Site icon Revoi.in

મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ નજીક વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ બનાવાશે

Social Share

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ લોકોની ક્ષમતાની દૃષ્ટિએ ઘણું નાનું છે. વાનખેડે એક ઐતિહાસિક સ્ટેડિયમ હોવા છતાં હવે મુંબઈમાં નવું સ્ટેડિયમ બનાવવાની વિચારણા થઈ રહી છે. નવું સ્ટેડિયમ વાનખેડે કરતાં લગભગ 4 ગણું મોટું હશે, એટલે કે નવા સ્ટેડિયમની બેઠક ક્ષમતા વાનખેડે કરતાં લગભગ 4 ગણી વધારે હશે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ નવા સ્ટેડિયમ વિશે વાત કરી હતી.

તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસમાં 2024 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ચેમ્પિયન ટીમ ઈન્ડિયાએ પણ બાર્બાડોસથી પરત ફર્યા બાદ મુંબઈમાં ખુલ્લી બસ સાથે વિજય પરેડ યોજી હતી. આ જીત અને વિજય પરેડ પછી, મુંબઈથી ટીમ ઈન્ડિયાના ટીમના સભ્યો, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેને મહારાષ્ટ્ર વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. રોહિત શર્માએ વિધાનસભામાં મરાઠીમાં ભાષણ પણ આપ્યું હતું. આ બધી બાબતો પછી ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે નવા સ્ટેડિયમ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે હવે મુંબઈને આધુનિક સ્ટેડિયમની જરૂર છે. એક સ્ટેડિયમ જ્યાં વધુ દર્શકો બેસી શકે.

દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, “મુંબઈને હવે વાનખેડે કરતાં મોટા સ્ટેડિયમની જરૂર છે. હું જાણું છું કે વાનખેડે એક ઐતિહાસિક સ્ટેડિયમ છે પરંતુ હવે મુંબઈને 1 લાખથી વધુની ક્ષમતાવાળા નવા સ્ટેડિયમની જરૂર છે અને અમે ભવિષ્યમાં તેને બનાવવાનો પ્રયાસ કરીશું.” જો કે નવા સ્ટેડિયમના નિર્માણ અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાનખેડે સ્ટેડિયમ 1974માં બનાવવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમમાં અંદાજે 32,000 લોકો બેસી શકે છે. આ એ જ ઐતિહાસિક મેદાન છે, જ્યાં ટીમ ઈન્ડિયાએ એમએસ ધોનીની કપ્તાનીમાં 2011 ODI વર્લ્ડ કપની ફાઈનલ જીતી હતી. ધોનીએ આ મેદાન પરથી સિક્સર ફટકારીને 2011ની ODI વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડી હતી.