Site icon Revoi.in

કલોલમાં GIDCમાં દવાની કંપનીમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો

Social Share

ગાંધીનગરઃ જિલ્લાના કલોલ ખાતે સઈજ જીઆઇડીસીમાં રવિવારે સવારે ભીષણ આગ લાગી હતી. કલોલની સઈજ જીઆઇડીસીની એક દવા બનાવતી કંપનીમાં અગમ્ય કારણોસર લાગેલી ભીષણ આગના પગલે ધુમાડાંના ગોટેગોટા ઉઠતા જોવા મળ્યા હતા. જો કે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. ફાયર બ્રિગેડની છ ગાડીઓ આગ ઓલવવાનાં પ્રયાસમાં લાગી ગઈ હતી. ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ હતી.

રાજ્યમાં ઉનાળામાં આગના વધુ બનાવો બન્યા છે. ઔદ્યોગિક વિસ્તારોમાં પણ આકસ્મિક આગના બનાવો બની રહ્યા છે. વધુ એક આગનો બનાવ કલોલના જીઆઈડીસી વિસ્તારમાં બન્યો હતો. રવિવારે સવારે જીઆઇડીસીમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. કલોલ જીઆઈડીસીની દવા બનાવતી એક કંપનીમાં આ વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી, જેના પગલે વાતાવરણમાં ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોવા મળ્યા હતા. જો કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. વિકરાળ આગને પગલે ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો આગની તીવ્રતા જોતા કલોલ, કડી, વિજાપુર, માણસા, ગાંધીનગર, અમદાવાદની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી જઈને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. દવાની ફેક્ટરીમાં આગ એટલી ભીષણ હતી કે, દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા હતા. જેના પરથી જ આગની ભયાનકતાનો અંદાજ લગાવી શકાતો હતો. આગના બનાવની જાણ થતાં  કલોલ મામલતદાર, કલોલ ટીડીઓ, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેમજ એમ્બ્યુલન્સ તેમજ પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.