અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરની તા. 22મી જાન્યુઆરીના રોજ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવને પગલે સમગ્ર દેશ હાલ રામમય બન્યો છે. દેશના વિવિધ શહેરો-નગરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આજે ભગવાન શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયાં હતા. તેમજ જય શ્રી રામના ગગનભેદી નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
રામલલાના સ્વરુપમાં અયોધ્યામાં થનારા પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરુપે વસ્ત્રાલમા ઠેરઠેર વિવિધ સોસાયટી ઓના ગેટ પર આકર્ષક રંગોળીઓ પુરવામા આવી છે. તેમજ રોશનીથી વિસ્તારોને સજાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન આજે સોમવારે બપોરે વસ્ત્રાલ તન્મય ચોકડી રઘુલીલા સોસાયટીથી ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા વસ્ત્રાલ વિસ્તારમાં ફરી હતી. વસ્ત્રાલ ની સોસાયટીઓના હજારો શ્રદ્ધાળુ સભ્યોઓ અવનવી વેશભુષાઓ સાથે આ રથયાત્રાનું પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું હતું.