અમદાવાદઃ ગુજરાતમાં અષાઢી બીજના પાવનપર્વ ઉપર અમદાવાદ શહેર સહિત રાજ્યના વિવિધ શહેરો-નગરોમાં ભગવાનની રથયાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
રાજકોટમાં કૌલાષધામ આશ્રમ સ્થિત જગન્નાથજી મંદિર ખાતે સવારે ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાવ્યા બાદ પહિંદ વીધી કરાવીને શોભાયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. શોભાયાત્રામાં વિવિધ રાસ મંડળીઓ પણ જોડાઈ હતી. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રથયાત્રામાં જોડાઈ ભગવાન જગન્નાથની આરતી ઉતારી હતી. વિજય રૂપાણીએ કહ્યુ કે રાજકોટની જનતા ખૂબ ધર્મ પ્રેમી છે. રાજકોટમાં રંગે ચંગે નીકળી રહી છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા. રાજકોટમાં દરેક તહેવાર અનોખા હર્ષઉલ્લાસ સાથે ઉજવાય છે.
ભગવાનની શોભાયાત્રા નીજમંદિરથી નીકળીને પરંપરાગત રૂટ ઉપર આગળ વધી હતી. દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા. શોભાયાત્રાના રૂટ ઉપર મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. બીજી તરફ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. દરમિયાન ભગવાન જગન્નાથજીનો અભિષેક વેદ મંત્રોચાર સાથે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના હસ્તે કરવામાં આવશે. તેમજ ભગવાનની મહાઆરતી પણ યોજાશે.
નાનામવા ખાતે જગન્નાથ મંદિરથી 15મી રથયાત્રા નીકળી હતી. શહેરના અલગ અલગ વિસ્તારમાં રાજમાર્ગો પર 22 કિલોમીટર રથયાત્રા ભક્તોને દર્શન આપશે. 60 જેટલા ફ્લોટ્સ અને ટેબ્લો રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતા. રથયાત્રામાં 1700થી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષામાં તૈનાત રખાયાં હતા.