Site icon Revoi.in

અમદાવાદમાં સરકારી કર્મચારીઓની પડતર પ્રશ્નોના ઉકેલ માટે વિશાળ રેલી યોજાઈ, કલેકટરને આવેદન

Social Share

અમદાવાદઃ રાજ્યના સરકારી કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અનેક રજુઆતો કર્યા બાદ હવે સરકાર સામે મોરચો ખોલ્યો છે. શનિવારે અમદાવાદ સહિત અનેક શહેરોમાં કર્મચારીઓની રેલી યોજાઈ હતી. જેમાં આમદાવાદમાં ગાંધી આશ્રમથી કલેકટર કચેરી સુધી કર્મચારીઓની વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉમટી પડ્યા હતા. કર્મારીઓ દ્વારા જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માગ કરવામાં આવી રહી છે. કલેક્ટર કચેરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.  કર્મચારી મંડળોના આગેવાનોએ અમદાવાદ કલેક્ટર સંદીપ સાગલેને આવેદન પત્ર આપ્યું હતુ. રેલીને કારણે ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધી ટ્રાફિક જામ થયો હતો.

રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના પ્રચાર અધ્યક્ષ રાકેશ ઠાકરે જણાવ્યું હતું કે, 52 જેટલાં સંગઠનો અમારી સાથે છે. 6000 કરતાં વધુ કર્મચારીઓ જૂની પેન્શન યોજના, સાતમા પગાર પંચનાં ભથ્થાં, શહેરી વિસ્તારમાં 4200 ગ્રેડ પે-નો અમલ થાય તે માટે આંદોલન કરી રહ્યા છે. શનિવારે કલેકટરને આવેદન આપ્યું છે, હજુ મહિના દરમિયાન અલગ અલગ કાર્યક્રમ આપીશું. પેન ડાઉન કરીશું અને માસ સીએલ પર પણ ઊતરીશું. છતાં માંગણી પૂરી નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.

પ્રાથમિક શિક્ષકનું સંઘ, આચાર્ય સંઘ, જિલ્લા પંચાયત કર્મચારી સંઘ, શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ, આરોગ્ય કર્મચારીઓ, તલાટીના કર્મચારી મંડળ સહિત અનેક સંગઠનો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નેજા હેઠળ ભેગાં થયાં છે. જેમાં  7 હજારથી વધુ કર્મચારીઓ લડત આપી રહ્યા છે. કર્મચારીઓ જૂની પેન્શન યોજના માટેની માંગણી કરી રહ્યા છે. તેમજ ગ્રેડ પે સહિતની વિવિધ પડતર માંગણીના મુદ્દા છે.

રાજ્યમાં અનેક વિભાગના સરકારી કર્મચારીઓ સરકારથી નારાજ છે કારણ કે વર્ષોથી પેન્ડિંગ પ્રશ્નો બાબતે સરકાર દ્વારા કોઈ નિવારણ લાવવામાં આવતું નથી. ત્યારે હવે ફરી એક વાર રાજ્યના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બે લાખ જેટલા શિક્ષકોએ પણ સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. 30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે. ચૂંટણી નજીક આવતા શિક્ષકોના પ્રશ્નો હતા તેને લઈને આંદોલન વધુ મજબૂત થવા જઈ રહ્યું છે.