અમદાવાદમાં મઘરાત બાદ એરપોર્ટથી ટેક્સીમાં ઘેર જતાં પતિ-પત્નીને પોલીસે ધમકી આપી લૂંટી લીધા
અમદાવાદઃ શહેરમાં રક્ષક જ ભક્ષક બની રહ્યાનો બનાવ બન્યો છે. શહેરમાં મધરાતબાદ એરપોર્ટ પરથી ટેક્સીમાં પોતાના ઘરે પરત ફરી રહેલા પતિ-પત્નીને પોલીસનો કડવો અનુભવ થયો છે. પોલીસે ડ્રાઈવ ચાલી રહી છે. કહીને ટેક્સી ઊભી રખાવીને કારમાં બેઠેલા પતિ-પત્નીને ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો, તમે પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ કર્યો છે. રાત્રે કેમ નિકળ્યા છો. તેમ કહી પુરી દેવાની ધમકી આપીને બે લાખની માગણી કરીને અંતે રૂપિયા 60 હજારનો તોડ કર્યો હતો. દંપત્તિએ ઘરે આવ્યા પરિવારને પોલીસે લૂંટી લીધાની વાત કર્યા બાદ સવારે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા ડીસીપીની સુચના બાદ પોલીસે ત્રણ ટ્રાફિક પોલીસની ધરપકડ કરી હતી.
અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં રાત્રી દરમિયાન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસે આ બાબતનો ફાયદો ઉઠાવીને એક દંપતી પાસેથી પૈસા પડાવ્યાનો બનાવ બન્યો છે. એરપોર્ટથી ટેક્સીમાં દંપત્તિ ઘરે જઈ રહ્યું હતું. તેમને રોકીને તમે જાહેરનામાનો ભંગ કર્યો છે કહીં ગુનો ન નોંધવા બે લાખની માંગણી કરી હતી. અંતે 60 હજાર આપવાનું નક્કી થતા પોલીસકર્મીઓ ટેક્સીમાં બેસી ગયા અને દંપતીમાંથી યુવકને પોલીસની ગાડીમાં બેસાડી ATMમાંથી પૈસા ઉપડાવ્યા અને તે પૈસા પડાવી લીધા હતા.
સોલા પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સાઉથ બોપલમાં રહેતા મિલન કેલા, તેમની પત્ની અને એક વર્ષના બાળકને લઈને તેઓ 25 ઓગસ્ટની રાતે એરપોર્ટથી તેમના ઘરે જઈ રહ્યા હતા. ઉબેર ટેક્સીમાં ત્રણેય જતા હતા ત્યારે એસ.પી. રીંગ રોડ ઓગણજ ટોલ ટેક્સ સર્કલ તરફ જવાના રસ્તે એક પોલીસની ગાડી ઉભી હતી. જેની પાસે બે વ્યક્તિ ખાખી વર્ધીમાં અને એક વ્યક્તિ સિવિલ ડ્રેસમાં ઉભો હતો. સિવિલ ડ્રેસવાળા વ્યક્તિએ ગાડી ઉભી રખાવી અને મિલનભાઈને પૂછ્યું હતું કે, તમે આ સમયે ક્યાંથી આવો છો, તમને ખબર નથી પડતી અત્યારે ડ્રાઈવ ચાલે છે તમે જાહેરનામાનો ભંગ કર્યો છે. જેથી તમારા વિરૂદ્ધ ફરિયાદ કરવાની છે. આટલું કહીને મિલનભાઇને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા. જ્યારે ઉબેર ગાડીમાં તેમની પત્ની અને દીકરા સાથે પોલીસની વર્ધીમાં આવેલા શખસ અને સિવિલ ડ્રેસ પહેરેલો શખસ બેસી ગયો હતો. મિલનભાઈ અને તેમની પત્નીનો ફોન સિવિલ ડ્રેસ પહેરેલા વ્યક્તિએ સ્વિચ ઓફ કરી દીધો હતો. પોલીસની ગાડી ઉબેર કાર એક સાથે લઈ જવામાં આવી હતી. અજ્ઞાત જગ્યાએ કાર લઈ જઈને એક પોલીસકર્મીએ મિલનભાઈ પાસે બે લાખ રૂપિયાની માંગણી કરી હતી. પોલીસકર્મીએ ધમકી આપી હતી કે, તમે પૈસા નહીં આપો તો તમને જેલમાં પૂરી દઈશું અને તમને ત્રણ વર્ષની સજા થશે. દરમિયાન મિલનભાઈએ જણાવ્યું હતું કે, મારી પાસે એટલા બધા પૈસા નથી. મારી પત્ની અને બાળક છે જેથી હું 10 હજાર રૂપિયા આપી શકું છું તો તમે મને જવા દો. પોલીસકર્મીઓએ પૈસા માટે રકઝક કરી અને 60 હજાર રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. ગણેશ ગ્લોરી પાસે આવેલા SBI બેંકના ATM પાસે લઈ ગયા હતા જ્યાંથી મિલનભાઈએ 40 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. જે પૈસા પોલીસકર્મીએ લઈ લીધા હતા. બીજા 20 હજાર રૂપિયા પોલીસકર્મીઓ દ્વારા માંગવામાં આવ્યા હતા. પોલીસકર્મીઓએ ઉબેર ગાડીના ડ્રાઈવરના ખાતામાં 20 હજાર રૂપિયા નાખવા કહ્યું જેથી મિલનભાઈની પત્નીએ 20 હજાર રૂપિયા ઉબેર ગાડીના ડ્રાઈવરના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મિલનભાઈ ત્યાંથી ઘરે ગયા ત્યારબાદ તેમના પિતા સાથે આ બાબતે વાતચીત કરી હતી. બીજા દિવસે મિલનભાઈ સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે આ સમગ્ર મામલે અજાણ્યા પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાવી છે. ઝોન 1 ડીસીપી લવિના સિંહાએ જણાવ્યું હતું કે, સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સમગ્ર મામલે ટ્રાફિક પોલીસના 3 કર્મચારીઓની સંડોવણી સામે આવી છે. જેથી ત્રણેય પોલીસકર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. સોલા પોલીસ દ્વારા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.