પૂચમાં એરફોર્સના કાફલા ઉપર આતંકી હુમલામાં એક જવાન શહીદ, સમગ્ર વિસ્તારમાં સર્ચ શરૂ કર્યું
નવી દિલ્હીઃ પૂંચ જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં એરફોર્સના કાફલા પર આતંકવાદીઓના ઓચિંતા હુમલામાં એક જવાન શહીદ થયો હતો. જ્યારે અન્ય ચાર જવાનો ઘાયલ થયાં હતા. આતંકવાદીઓએ કાફલાના બે વાહનોમાંથી એકને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. વાયુસેનાના પ્રવક્તાએ ટ્વિટર પર જણાવ્યું કે આતંકવાદીઓ સાથેની અથડામણમાં વાયુસેનાના પાંચ જવાન ઘાયલ થયા હતા. તેમને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક જવાન શહિદ થયાં છે. સ્થાનિક સૈન્ય એકમો દ્વારા વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય જવાનોના વાહન ઉપર આતંકવાદીઓએ શશિધર પાસે હુમલો કર્યો હતો. એરફોર્સના બે વાહનો સુરનકોટ વિસ્તારમાં સનાઈ ટોપ પર પાછા ફરી રહ્યા હતા. વાહનો આવતાની સાથે જ આતંકીઓએ પહેલેથી જ એક વાહનને નિશાન બનાવીને હુમલો કર્યો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. વાહનના કાચ પર 14 થી 15 ગોળીઓના નિશાન જોવા મળ્યા હતા. વાયુસેનાના પ્રવક્તાએ ટ્વિટર પર જણાવ્યું કે, આતંકવાદીઓ સાથેની અથડામણમાં વાયુસેનાના પાંચ જવાન ઘાયલ થયા હતા. સ્થાનિક સૈન્ય એકમો દ્વારા વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. હુમલા બાદ ભારતીય સેનાની વધારાની ટુકડીઓ પુંછના જરાવલી ગલી પહોંચી ગઈ હતી.
નોંધનીય છે કે આ પહેલા 12 જાન્યુઆરીએ આતંકવાદીઓએ કૃષ્ણા ઘાટી વિસ્તારમાં સૈન્યના વાહનોને નિશાન બનાવ્યા હતા, જેમાં ચાર જવાનો શહીદ થયા હતા. આ પહેલા 22 ડિસેમ્બર 2023ના રોજ ડેરા કી ગલી વિસ્તારમાં લશ્કરી વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે આ ત્રીજો હુમલો છે. આ ત્રણ હુમલામાં પાંચ જવાનો શહીદ થયા છે, જ્યારે ઘણા જવાનો ઘાયલ થયા છે.