Site icon Revoi.in

રાષ્ટ્રસેવાના જીવનમંત્ર સાથે પર્યાવરણનું સંરક્ષણ કરવા સહિયારા પ્રયાસ અત્યંત અનિવાર્ય: પ્રફુલભાઈ પાનશેરીયા

Social Share

અમદાવાદઃ એન.એસ.એસના વિદ્યાર્થી સ્વયં સેવકો, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર્સ અને પ્રોગ્રામ કોઓર્ડિનેટર દ્વારા સમુદાય સેવામાં અપાઇ રહેલા ઉત્કૃષ્ટ યોગદાનને ઓળખી તેને પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીય કક્ષાની સાથે સાથે રાજ્ય કક્ષાએથી પણ રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર આપવામાં આવે છે. પ્રતિ વર્ષે વિવિધ સ્તરે આપવામાં આવતા આ પુરસ્કાર વિતરણ કાર્યક્રમનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં 1 પ્રોગ્રામ કોઓર્ડિનેટર, 5 પ્રોગ્રામ ઓફિસર્સ અને 10 એન.એસ.એસના વિદ્યાર્થી સ્વયંસેવકોને પુરસ્કાર તથા મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ એવોર્ડ મેળવનાર એન.એસ.એસના વિદ્યાર્થી સ્વયંસેવકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થી સ્વયંસેવકો દ્વારા સતત કરવામાં આવેલા કર્મોનું તેમને આજે શ્રેષ્ઠ ફળ મળ્યું છે. રાષ્ટ્રસેવાના જીવનમંત્ર સાથે દેશમાં પ્રદુષણને નિયંત્રણમાં લાવવા તથા પર્યાવરણનું જતન કરવા માટે આપણા સૌના સહિયારા પ્રયાસ અત્યંત અનિવાર્ય છે. રાષ્ટ્રસેવાએ આપણા તમામ લોકોનો જીવનમંત્ર હોવો જોઈએ. આપણો ભારત એક એવો દેશ છે જેની સંસ્કૃતિમાં યજ્ઞ કરવાનું મહત્વ છે. માત્ર અગ્નિ પ્રજ્વલિત કરીને જ યજ્ઞ કરવો એ યજ્ઞ નથી પરંતુ કોઈના દુ:ખ દુર કરવા, સફાઈ કરવી, પ્રકૃતિનું જતન કરવું તે પણ એક યજ્ઞ કરવા બરાબર છે

એન.એસ.એસ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે, એન.એસ.એસ. સાથે જોડાયેલ સ્વંયસેવકો રાષ્ટ્રસેવાના વિવિધ કાર્યો સિવાય તમામ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડીને રાષ્ટ્રસેવામાં યોગદાન આપી રહ્યા છે ત્યારે તેમને એવોર્ડ આપી બિરદાવા ખુબ જ જરૂરી છે. કોરોનાના કપરા સમયમાં એન.એસ.એસ દ્વારા કરાયેલી કામગીરીને પણ મંત્રી શ્રીએ બિરદાવી હતી.