અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે વાહનચાલકોમાં ટ્રાફિકના કાયદાનું પાલન કરવાની અવેરનેસ આવે તે માટે શહેરની ટ્રાફિક પોલીસ તેમજ RTO દ્વારા સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. બન્ને વિભાગો દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી. પ્લેકાર્ડ અને બેનરો પ્રદર્શિત કરીને વાહનચાલકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં નેશનલ રોડ સેફ્ટી અવરનેસ મહિનો ચાલી રહ્યો છે. જેમાં પોલીસ અને RTO દ્વારા મેગાસિટીમાં અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેના થકી લોકોને ટ્રાફીકના નિયમોનું પાલન તેમજ ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ ટ્રાફિક પોલીસ અને RTO ના સંયુક્ત ઉપક્રમે રેલી યોજવામાં આવી હતી. બાઈક રેલીમાં પોલીસકર્મીઓ અને RTOના કર્મચારીઓ જોડાયા હતા. રેલીનો આરટીઓ કચેરીથી પ્રારંભ કરાયો હતો. કર્મચારીઓએ ટ્રાફિકની જાગૃતિ માટેના વિવિધ પ્લેકાર્ડ તેમજ બેનર્સ પ્રદર્શિત કર્યા હતા.
અમદાવાદ શહેરમાં મોટર વાહન ડીલર એસોસિયેશનના સહયોગથી RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા સવારે આઠ વાગે અમદાવાદ RTOથી રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં પોલીસકર્મીઓ તેમજ RTOના કર્મચારીઓ હાથમાં બેનર સાથે જોડાયા હતા. RTO કચેરીથી ચીમન પટેલ બ્રિજ થઈ વિસત સર્કલ થઈ ચીમન પટેલ બ્રિજ થઈ RTO પરત ફરી હતી. આ રેલીનો ઉદ્દેશ લોકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવાનો હતો. રેલીમાં બેનર પર ટ્રાફિક અંગેના સૂચનો લખવામાં આવ્યા હતા.હજુ પણ આગામી દિવસમાં રોડ સેફ્ટી અવેરનેસ હેઠળ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે. વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય તેની અવેરનેસ માટે રેલી યોજવામાં આવી હતી.