- ગોમતીના ઘાટ પર દબાણોનો રાફડો,
- રજુઆતો છતાં નગરપાલિકા દ્વારા તળાવ ગાંડી વેલ દુર કરતી નથી,
- નગરપાલિકા કહે છે. યાત્રાળુઓ દ્વારા તળાવમાં ગંદકી કરવામાં આવે છે
ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગોમતી તળાવનું વિશેષ મહાત્મ્ય છે. યાત્રાળુઓ રણછોડરાયજીના દર્શન કર્યા બાદ ગોમતી ઘાટની મુલાકાત લેતા હોય છે. ત્યારે છેલ્લા મહિનાઓથી ગોમતી તળાવમાં સ્વચ્છતા પ્રત્યે દુર્લક્ષ સેવાતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. તેમજ તળાવનો કબજો જંગલી વેલએ લીધો છે. સમગ્ર તળાવમાં અને ઘાટ પર ઠેર ઠેર ગંદકી જોઈ ભાવિકોના હૈયા દ્રવી ઉઠે છે. તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી ભાવિકો માંગ કરી રહ્યા છે.
ડાકોરમાં ગોમતી તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. તળાવમાં અને ઘાટ પર બેફામ રીતે કચરો ઠલવાતા તળાવ દૂષિત થયું છે. તેમજ આખા તળાવ પર જંગલી વેલનું સામ્રાજ્ય ફેલાયું છે. પવિત્ર તળાવની દુર્દશા પ્રત્યે નગરપાલિકા દુર્લક્ષ સેવતી હોવાનો રોષ પણ લોકો વ્યક્ત કરી ચૂક્યા છે. નગરજનો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેટલીય વાર સાફ સફાઈ કરવામાં આવી છે. પરંતુ જેમ તેમ કચરો ઠલવાતા સ્થિતિ એની એ જ રહે છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિર સામે આવેલા પવિત્ર ગોમતી તળાવના ઘાટ પર ગંદકી સાથે જ ઘાટ પર ઠેર ઠેર દબાણ ખડકાયેલા જોવા મળ્યા હતા. વેપારીઓ દ્વારા ઘાટ પર કબજો જમાવી દેવામાં આવ્યો છે. રણછોડરાયજીના દર્શન કરવા માટે આવેલા ભાવિકોમાં ગંદકી જોઈ ભારે નિરાશ જોવા મળી રહ્યા છે. પવિત્ર ગોમતી તળાવમાં અને તળાવના ઘાટ પર સ્વચ્છતા જાળવવા માટે ડાકોર નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી ભાવિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ઉપરાંત તાત્કાલિક જંગલી વેલ દૂર કરવા રજૂઆત કરી છે.
આ અંગે ડાકોર નગરપાલિકા ચીફ ઓફિસર સંજય પટેલના કહેવા મુજબ ગોમતી ઘાટ પર જે ટુરિસ્ટ આવે છે તેમાંથી ઘણા પાણીની બોટલ સહિત કચરો ફેંકે છે. તો એ સાથ સહકાર આપે. અત્યારે ગોમતીની સફાઈ અને વનસ્પતિ દૂર કરવાની મેન્યુઅલી કામગીરી હંગામી રીતે ચાલુ કરી દેવામાં આવી છે .થોડા સમયમાં મશીન મંગાવી આગામી મહિનામાં સાફ સફાઈ કરી દેવામાં આવશે. હાલ નગરપાલિકા ડોર ટુ ડોર કલેકશન કરી કચરાના નિકાલ માટેની સેગ્રીગેશન સહિતની કામગીરી કરી રહી છે.