Site icon Revoi.in

અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામાં સામે ક્ષત્રિય નેતાએ ગુજરાત હાઈકોર્ટમાં કરી રિટ,

Social Share

અમદાવાદઃ શહેરના પોલીસ કમિશનર દ્વારા સીઆરપીસી 144 મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં ભેગા મળીને વિરોધ કરવા, બેનરો પ્રદર્શિત કરવા કે કાળા વાવટા ફરકાવવા સામે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના આ જાહેરનામાં સામે ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો. ત્યારબાદ પોલીસ કમિશનરના જાહેરનામાં સામે રાજપૂત સમાજના અગ્રણી અર્જુનસિંહ ગોહિલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે, એમાં એવી રજુઆત કરવામાં આવી છે. કે,  પોલીસ કમિશનરના જાહેરનામાંથી બંધારણીય હકનો ભંગ થઈ રહ્યો છે. બંધારણના આર્ટિકલ 19 અને 21નો ભંગ થઈ રહ્યો છે. હાઈકોર્ટમાં આ રિટ પર આજે સુનાવણી હાથ ધરાઇ શકે છે.

ક્ષત્રિય સમાજના અગ્રણી અર્જુનસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,   ક્ષત્રિય સમાજને વિરોધ કરતા રોકવા, કાળા વાવટા ફરકાવતા રોકવા આચારસંહિતાના અમલ દરમિયાન તેના ઓથા હેઠળ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે CRPC 144 અંતર્ગત જાહેરનામું બહાર પાડ્યું છે. એ મુજબ ભેગા મળીને વિરોધ અને બેનર બતાવવા પર પ્રતિબંધ છે. રાજપૂત સમાજ શાંતિથી દેખાવો કરી રહ્યો છે. અત્યાર સુધીમાં કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. દેખાવથી જાહેર જનતાને પણ અગવડ પડી નથી, પરંતુ શહેર પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર શાંતિપૂર્વક દેખાવો થઈ શકતા નથી. ભાજપનેતા પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિરુદ્ધ અયોગ્ય નિવેદન આપ્યું છે. તેમના વિરોધને રોકવા આ જાહેરનામું બહાર પડાયું છે. આ CRPCની કલમ 144નો દુરુપયોગ છે. વળી, ફક્ત અમદાવાદમાં જ આવું જાહેરનામું બહાર પડાયું છે. પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની મહિલાઓ અને રાજપૂત સમાજની ગરિમાને ઠેસ પહોંચાડી છે. શહેર પોલીસ કમિશનરના જાહેરનામાથી વાણીસ્વાતંત્ર્યનો હક છીનવાઈ ગયો છે. આ જાહેરનામું પક્ષપાતી અને ગેરકાનૂની છે.

તેમણે જણાવ્યું હતું કે, દેશમાં કે રાજ્યમાં ઇમર્જન્સી સિવાય CRPCની કલમ 144નો ઉપયોગ કરી શકાય નહિ. રાજકીય પક્ષોને રેલી યોજવા મંજૂરી મળે છે, પરંતુ રાજપૂત સમાજને શાંતિપૂર્ણ દેખાવો કરવા મંજૂરી નથી. જાહેરહિત જોખમાતું હોય તેવું ગ્રાઉન્ડ આ જાહેરનામા પાછળ નથી. વળી, સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ CRPC 144ના ઉપયોગ માટે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો અભિપ્રાય જરૂરી હોય છે.