Site icon Revoi.in

ચિલોડા નેશનલ હાઈવે પર ટેમ્પાએ અડફેટે લેતા શ્રમજીવી મહિલાનું મોત

Social Share

ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ચિલોડા નજીક નેશનલ હાઈવે પર બન્યો હતો. ચિલોડાના છાલા નજીક હિંમતનગરથી મોટા ચિલોડા તરફ જતા નેશનલ હાઈવે 48 ઉપર સેફ્ટી કોન મૂકીને રોડનું કામ કરતી શ્રમજીવી મહિલાનું છોટા હાથીની ટક્કરથી ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે મોત થયું હતું. જેથી ચીલોડા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી છે કે, હિંમતનગરના સવગઢ બાયપાસ રોડ નેશનલ હાઇ વે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના કેમ્પમાં રહેતા મૂળ ઉદેપુરનાં લાલાભાઈ બદાજી ખરાડી 15 મી ઓગસ્ટથી પત્ની સવિતાબેન અને દીકરા રાકેશ, દીકરી મીનાક્ષી સાથે નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇંડીયા એપેક્ષ પ્રાઇવેટ લીમીટેડમાં મજૂરી કામ માટે આવેલ છે. દરમિયાન હાઈવેના એક સમારકામ કામ અર્થે નેશનલ હાઈવે 48 ઉપર છાલા ગામ પાસે આવ્યા હતા. એ વખતે પતિ-પત્ની કંપનીના માણસો સાથે છાલા તથા ગિયોડ ગામ વચ્ચે હિંમતનગર તરફથી આવતા નેશનલ હાઇવે 48 ઉપર કામ કરતા હતા. ત્યારે રોડ ઉપર સેફ્ટી કોન પણ મૂકવામાં આવેલા હતા. તેમ છતાં એક છોટા હાથીનાં ચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવી સેફ્ટી કોન તોડીને સવિતા બેનને ટક્કર મારી હતી.

આ અકસ્માત સર્જાતાં જ છોટા હાથી મૂકીને ચાલક નાસી ગયો હતો. આ અકસ્માતમાં સવિતાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને આસપાસમાં લોકો પણ એકઠા થઈ ગયા હતા. બાદમાં એન.એચ.એ.આઈ એમ્બ્યુલન્સ આવતાં સવિતાબેનને મૃત જાહેર કર્યા હતા. જેઓને છાલા સીએચસી સેન્ટરથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ચીલોડા પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી ફરાર છોટા હાથીનાં ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.