Site icon Revoi.in

જૂનાગઢના દામદોર કુંડમાં અમાસના સ્નાનનું મહાત્મ્ય, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

Social Share

જુનાગઢઃ ભાદરવા મહિનામાં પિતૃ શ્રાદ્ધનું મહાત્મ્ય છે. ભાદરવી અમાસને લઇને જુનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે ભાવિકો પોતાના પિતૃઓના મોક્ષાર્થે પીપળે પાણી ચડાવી અને તુલસી એ દીવો કરી પ્રાર્થના કરે છે. શ્રાવણ મહિનો છેલ્લો દિવસ અને ભાદરવી અમાસનું વિશેષ ધાર્મિક મહત્વ છે. જુનાગઢના ગિરનાર ક્ષેત્રમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં વહેલી સવારથી ગુજરાતભરમાંથી દામોદર કુંડમાં પિતૃ તર્પણ કરવા તેમજ મોક્ષ માટે પીપળાને પાણી રેડવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

દામોદર કુંડમાં ભગવાન શ્રીકૃષ્ણએ ભક્ત કવિ નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરી તેના પિતાજીનું શ્રાદ્ધ અહીં કર્યું હતું. પિતૃપક્ષમાં આવતા આ દિવસને સર્વ પિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે, જે પિતૃઓની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ છે. આ દિવસે જે સ્વજનની તિથિ યાદ ન હોય અને તેમનું શ્રાદ્ધ કરવાનું રહી ગયું હોય તેવા પિતૃઓનું શ્રાદ્ધ આ દિવસે કરી શકાય છે. પિતૃપક્ષ, મહાલયની પૂર્ણાહુતિ થવાની સાથે શ્રાદ્ધપક્ષ પૂર્ણ થશે. શાસ્ત્રોમાં આ અમાસને સર્વ પિતૃ અમાસ, મહાલય અમાસ કે મોક્ષદાયિની અમાસ પણ કહેવામાં આવે છે. ત્યારે તીર્થસ્થાનોમાં સુવિખ્યાત તીર્થ દામોદર કુંડ ખાતે સર્વ પિતૃ અમાસ નિમિત્તે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી.  દૂર-દૂરથી આવેલા અસંખ્ય ભાવિકોએ પિતૃ તર્પણ કરી તેમજ દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કરીને ધન્યતાની અનુભૂતિ કરી હતી. સર્વ પિતૃ અમાસના દિવસે તમામ પિતૃઓ માટે શ્રાદ્ધ-દાન કરાય છે, જેથી પિતૃઓ સંપૂર્ણ સંતુષ્ટ થાય છે. આથી દામોદર કૂંડના ઘાટે અનેક તીર્થગોર દ્વારા પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન જેવી વિધિઓ પરિપૂર્ણ કરાવવામાં આવી હતી. અનેક શ્રદ્ધાળુઓએ પીપળે પાણી રેડીને પિતૃઓને તૃપ્ત કરવાની ભાવના કરી હતી.

પિતૃપક્ષના સોળ દિવસ આપણાં પૂર્વજોને સમર્પિત હોય છે, જે દરમિયાન તેમને જળ-ભોજન અર્પણ કરી શ્રાદ્ધકર્મ કરવાની પ્રથા છે, ત્યારે જો કોઈ વ્યક્તિ પિતૃ શ્રાદ્ધ કર્મ ન કરી શક્યા તેઓ સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃ તર્પણ અને શ્રાદ્ધ અર્પણ કરીને પિતૃ કૃપા પ્રાપ્ત કરી શકે છે.ભાદરવી અમાસના દિવસે લોકો પિતૃઓના મોક્ષ માટે પીપળે પાણી રેડી પ્રાર્થના કરતા હોય છે. જુનાગઢ ખાતે આવેલ દામોદર કુંડમાં સ્નાન કરવા તેમજ પારસ પીપળે પાણી રેડવા હજારો ભાવિકો આવે છે અને કુંડમાં સ્નાન તેમજ પવિત્ર એવા પીપળે પાણી રેડી પોતાના પિતૃઓ ના મોક્ષ માટે પ્રાર્થના કરે છે. ગિરનારના ઉપરવાસથી વહેતી સોનરખ નદીનું પાણી અતિ પવિત્ર માનવામાં આવે છે.