Site icon Revoi.in

ચોટિલામાં આઠમા નોરતે ચાંમુડા માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં

Social Share

સુરેન્દ્રનગરઃ પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શન માટે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આઠમા નોરતે એટલે કે નવરાત્રીની અષ્ટમીએ માતાજીના દર્શનું વિશેષ મહાત્મ્ય હોવાથી રવિવારે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ચામુંડા માતાજીના ડુંગર પર માનવ મેરામણ ઉમટ્યો હતો. મહંત પરિવાર દ્વારા આઠમાં નોરતે નવચંડી હોમહવન પૂજા જાપ શાસ્ત્રોક વિધિ અનુસાર માતાજીની ધાર્મિક વિધિ તેમજ હોમહવન બીડું હોમવામાં આવ્યુ હતું.

ચોટિલામાં ડૂંગર પર બિરાજમાન ચાંમુડા માતાજીના દર્શન માટે દેશભરમાંથી માઇભક્તો આવ્યાં હતા. તેમજ હવન દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લઈને શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. નવરાત્રીની આઠમના તહેવાર નિમિત્તે ભારે ધામધૂમથી મંદિરમાં માતાજીનો યજ્ઞ અને આઠમના નોરતાનો ખાસ પૂજા- હવન, બીડું હોમવામાં આવ્યું હતું. અને માતાજીના દર્શને હજારો ભાવિક ભક્તો અનેરી શ્રદ્ધા સાથે આવી પહોંચ્યા હતા. યાત્રિકોની સુવિધા માટે ચોટીલા ડુંગર ઉપર ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

શ્રી ચામુંડા માતાજીનો ડુંગર અને મંદિર અતિ પ્રાચીન છે. દેવી ભાગવત અનુસાર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો દેવી પાર્વતીએ વધ કર્યો માટે ચંડ મુંડ વિનાશિની ચામુંડા કહેવાયા. શ્રી ચામુંડા માતાજી ગોહિલ વાડના ગોહિલ દરબારો, જૂનાગઢ તરફના સોલંકી, ડોડીયા અને પરમાર વગેરે કુળના રાજપૂતોના, તેમજ ચોટીલા વિસ્તારના ખાચર, ખુમાણ વગેરે કાઠી દરબારો, પરજીયા સોની, દરજી, પંચાલ, અને  ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ, કચ્છના રબારી તથા આહીર સમાજ, દીવ સોમનાથ વેરાવળ તરફના ખારવા સમાજ, મોરબી તરફના સતવારા સમાજ તથા અન્ય ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે. શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ 635 પગથિયાં છે. જેમાં ચડવા-ઉતરવા માટેની અલગ-અલગ વ્યવસ્થા છે. દર 100 પગથિયાં ચડતા પીવાના પાણીની વ્યવસ્થા છે. વધુમાં પગથિયાં ઉપર છેક સુધી શેડ (છાંયડો) હોવાથી ઉનાળામાં તેમજ વરસાદ દરમિયાન પણ યાત્રિકોને કોઈ તકલીફ પડતી નથી. કારતક માસમાં નવા વર્ષના પ્રારંભથી લાભ પાંચમ સુધી ખુબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. તેમજ દર માસની પૂનમે તેમજ શ્રાવણ માસમાં સાતમ-આઠમ તથા દર રવિવારે અને નવલી નવરાત્રીમાં શ્રદ્ધાળુઓનું અભૂતપૂર્વ ઘોડાપુર ઉમટે છે.