નડિયાદઃ સુપ્રસિદ્ધ એવા સંતરામ મંદિરમાં શનિવારે મહાસુદ પૂર્ણિમાના અવસરે યોગીરાજ શ્રી સંતરામ મહારાજના 193માં સમાધિ મહોત્સવની ઉજવણી કરવા સાથે દિવ્ય સાકરવર્ષા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
નડિયાદ ખાતેના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં શનિવારે મહા સુદ પૂનમની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ઢળતી સંધ્યાએ મંદિરમાં ‘દિવ્ય સાકરવર્ષા’ કરવામાં આવી હતી. મહાઆરતી બાદ યોજાયેલી સાકરવર્ષા ઉત્સવમાં હજારો શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા અને ‘જય મહારાજ’ ના જય ઘોષથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. અને મહાઆરતીના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મહાઆરતી બાદ પૂ. રામદાસજી મહારાજ દ્વારા સૌ પ્રથમ સાકર વર્ષા કર્યા બાદ શાખા મંદિરના સંતો તથા અન્ય સંતો તથા 150થીવધુ સ્વયં સેવકો દ્વારા મંદિરમાં ઠેર ઠેર બનાવેલા પ્લેટફોર્મ પરથી સાકરવર્ષા કરવામાં આવી હતી. સાકર સાથે કોપરૂ મિશ્રની કરી વર્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભજન મંડળીઓ દ્વારા પુરેપુરો દિવસ મંદિરમાં ભજનોની રમઝટ જામી હતી. મંદિરમાં એકત્રિત થયેલ શ્રધ્ધાળુઓએ દર્શન કરી તેમજ સાકરની પ્રસાદી ગ્રહણ કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. માઘની પૂનમે સંતરામ મંદિરમાં સાકરવર્ષાનો ખૂબ મહિમા છે. શ્રીસંતરામ મહારાજે 193 વર્ષ અગાઉ મહાસુદ પૂર્ણિમાએ જીવિત સમાધિ લીધી હતી. આ સમયે મંદિરમાં આકાશ માંથી જ્યોતસ્વરૂપે એક જ્યોત પ્રગટ થઈ હતી. જે આજે પણ અખંડ સ્વરૂપે જ્યોત મંદિર પ્રગટ છે.
સંતરામ મંદિર પરિસર ભક્તોથી છલકાયું હતું. મંદિર પરિસરમાં અને બહાર ઠેકઠેકાણે પ્લેટફોર્મ ગોઠવાયા હતા અને અંદાજીત 150થી વધુ સ્વયંમસેવક દ્વારા જોળીમાં રહેલી સાકરને ઉછાળી હતી. જે પ્રસાદને ભક્તોએ ગ્રહણ કરી હતી. કેટલાક ભક્તોએ આ પ્રસાદીને ઘરે લાવ્યા હતા અને પોતાના પરિવારના સભ્યોને આપી હતી. સારકવર્ષા મહોત્સવ દરમિયાન નડિયાદ ડિવિઝન પોલીસે મંદિરમાં અને મેળામાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી કાયદો વ્યવસ્થાની સ્થિતી સંભાળી છે. જેમાં 1 ડીવાયએસપી, 5 પીઆઈ, 23 પીએસઆઇ, 240 પોલીસ કોન્સ્ટેબલ અને 1240 હોમગાર્ડનો સમાવેશ થાય છે.