સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં, ટ્રાફિક જામના દ્રશ્યો
બોટાદઃ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કારતક મહિનાનો પહેલો શનિવાર અને રવિવાર હોવાથી મોટી સંખ્યમાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. નવા વર્ષે સાળંગપુરના સ્થાનિક લોકો તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ પાંચમ તેમજ નવા વર્ષના પ્રથમ શનિવારે દાદાના દર્શન કરીને પોતાના વેપાર ધંધાનો પ્રારંભ કર્યો હતો. બીજી તરફ પ્રથમ શનિવારે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભકતોની ભીડ જોવા મળી હતી, શનિવાર અને રવિવારની રજા હોવાથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં હનુમાનજી દેવના દર્શન કરવા ઊમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા ધંધુકાથી બરવાળા થઈને સાળંગપુર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
નવા વર્ષનો પ્રારંભ થયા બાદ પ્રથમ શનિવાર હોવાથી હનુમાનજી દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આજે રવિવારે પણ ભક્તાની ભારે ભીડ જોવા મળી હતી. દાદાના દર્શન માટે લાંભી લાઈનો જોવા મળી હતી. અમદાવાદ સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવતા મંદિરના પરિસરમાં પાર્કિંગની જગ્યા ખૂટી પડી હતી. અને છેક ધંધુકાથી બરવાળા અને સાળંગપુર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
સાળંગપુરમાં હનુમાનજીની વિશાળકાળ 54 ફુટની બ્રોન્ઝની મૂર્તિ સ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં હનુમાનજી દાદાના પગ, છાતીનો ભાગ અને મુખ આવી ગયા છે. જેમાં દાદાની વિશાળ ગદા પણ આવી ગઈ છે, જેનું વિધિવત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. અગાઉ લાખો હરિ ભક્તોના આસ્થાના કેન્દ્ર એવા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર, બોટાદમાં ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રોજેક્ટ અંતર્ગત હનુમાનજીના મુખ અને છાતીના ભાગનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ, સંતોએ વિધિવત પૂજા-આરતી કરી હતી. મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. હાલ સાળંગપુર ધામ ખાતે વિરાટ 54 ફૂટની બ્રોન્ઝની હનુમાનજી દાદાની મૂર્તિની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં મૂર્તિના પગ, છાતીનો ભાગ અને મુખ આવી ગયા છે. જેને ફીટિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે લાઈટ એન્ડ સાઉન્ટ સિસ્ટમ સાથે હનુમાન ચાલીસા તેમજ સાળંગપુર મંદિરનો ઈતિહાસ જાણી શકાય તે મુજબનું આયોજન પ્રશાસન દ્વારા ચાલી રહ્યુ છે. (file photo)