અંબાજીમાં ચૈત્રી નવરાત્રિની આઠમે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં, ચાચર ચોકમાં હવન કરાયો
અંબાજીઃ ચૈત્રી નવરાત્રિ એ શક્તિની ઉપાસનાનું પર્વ ગણાય છે. ત્યારે શક્તિપીઠ ગણાતા અંબાજીમાં દર્શન માટે ચૈત્રી નવરાત્રિથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં ભાવિકો જય જય અંબેના નાદ સાથે માતાજીની ભક્તિરસમાં તરબોળ બન્યા હતા. ચૈત્રી નવરાત્રિની આઠમ દિવસે હોમહવનનું વિશેષ મહાત્મ્ય છે. ત્યારે મંદિરના ચાચર ચોકમાં હવનનું પણ આયોજન કરાયું હતું.
અંબાજી મંદિરમાં મંગળવારે ચૈત્રી નવરાત્રીના આઠમા નોરતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અંબાજી મંદિરમાં વહેલી સવારે બે મંગળા આરતી કરવામાં આવી હતી. ચૈત્ર સુદ બીજથી આઠમ સુધી સવારે બે મંગળા આરતી થાય છે. મંદિરમાં માતાજીની આજે બુધવારે સવારે એક જ મંગળા આરતી કરવામાં આવશે. અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા આરતી કરવામાં આવે છે. એક આરતી ગર્ભગૃહની અંદર જ્યારે બીજી આરતી જવેરાની કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં જોડાયા હતા અને મંગળા આરતીનો લાભ લીધો હતો.
યાત્રાધામ અંબાજીમાં ચૈત્રી નવરાત્રિના પ્રારંભથી મોટી સંખ્યામાં ભાવિકો મા અંબાજીના દર્શન કરવા આવી રહ્યા છે. મંગળવારે ચૈત્રી નવરાત્રિની આઠમને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતુ. સાથે સાથે આઠમનો મોટો હવન મંદિરના ચાચર ચોકમાં કરાયો હતો. હવન કુંડના દર્શન માટે પણ ભાવિકોની લાઈનો જોવા મળી હતી. અંબાજી મંદિર ટ્રસ્ટને ચૈત્રી નવરાત્રીના સાત દિવસમાં ભક્તોએ 29 લાખ કરતા વધુ સોનાનું અને લગડીનું દાન આપ્યું હતું. અંબાજી મંદિરમાં એકમથી સાતમ સુધી અલગ અલગ ભક્તોએ કુલ 3 અન્નકૂટ કર્યા હતા. માતાજીને અલગ અલગ પ્રકારની મીઠાઈ પણ ધરાવવામાં આવી હતી. ભટ્ટજી મહારાજ દ્વારા આરતી પણ કરવામાં આવી હતી. જે દિવસે અન્નકૂટ હોય તે દિવસે સવારે, બપોરે અને સાંજે માતાજીની આરતી કરવામાં આવી હતી.