જુનાગઢઃ ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમા આગામી શુક્રવારની મધ્યરાત્રીથી વિધીવત શરૂ થઈ રહી છે. પાંચ દિવસની ગીરની પાંચ દિવસની પરિક્રમામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં યાત્રાળુંઓ ભવનાથની તળેટીમાં પહોંચી ગયા છે. વહિવટી તંત્ર દ્વારા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગિરનાર જંગલમાં 37 કી.મી.ની પરિક્રમા રૂટ ઉપર યાત્રીકોના ભોજન માટે સ્વૈચ્છીક 90 જેટલા અન્નક્ષેત્રો અને 200 જેટલા નાના અન્નક્ષેત્રો ધમધમતા થઈ જશે. અન્નક્ષેત્રોમાં લાખોની સંખ્યામાં પાંચ દિવસ સુધી પ્રસાદ ગ્રહણ કરશે.
ગરવા ગિરનારના જંગલ વિસ્તારમાં પરિક્રમા માટે માર્ગ નિયત કરવામાં આવ્યો છે. જેમાં ભવનાથથી રૂપાયેતનનો રસ્તો, રૂપાયેતનથી ઈટવા સુધીનો રસ્તો, જાંબુડી થાણાથી ચાર ચોક સુધીનો રસ્તો, જીણા બાવાની મઢીથી માળવેલા સુધીની કેડી, જીણા બાવાની મઢીથી સરકરીયા હનુમાન સુધીની કેડી, માલીડાથી પાટવડ કોઠાથી સુરજકુંડનો રસ્તો, સુરજકુંડથી સરકરડીયા માળવેલાની કેડી, માળવેલાથી નળપાણીની ઘોડી. નળપાણી ઘોડીથી નળ પાણીની જગ્યા સુધીનો રસ્તો, નળપાણીથી બોરદેવીના ત્રણ રસ્તા ત્રણ રસ્તાથી બોરદેવી અને ભવનાથનો રસ્તો વન વિભાગે નિયત કર્યો છે. જેનો ઉપયોગ કરવા પરિક્રમાર્થીઓને જણાવાયું છે. ઉપરાંત ગિરનાર જંગલને અનામત જંગલ તરીકે જાહેર કરવામાં આવ્યુ હોવાથી પરિક્રમાર્થીઓએ નકકી કરેલા રૂટ સીવાય વન્ય પ્રાણી વિસ્તારમાં પ્રવેશ કરી શકશે નહીં અને વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચાડવાની છંછેડવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પરિક્રમામાં સેવામાં આવેલી સેવાભાવી સંસ્થાઓ જેમાં અન્નક્ષેત્રો, પાણીના પરબો, વિગેરેને નિયમોને આધીન મંજુરી આપવામાં આવી છે. જેમને મંજુરી આપવામાં આવી છે તે લોકો જ જંગલમાં રાવટી નાખી શકશે. અન્નક્ષેત્રમાં લાકડાના બદલે ગેસના પાટલાનો ઉપયોગ કરવો પડશે. વાહનોએ સામાન ઉતાર્યા બાદ જંગલમાંથી બહાર નીકળી જવાનું રહેશે. પરિક્રમા પૂર્ણ થયા બાદ રાવટી, અન્નક્ષેત્રો ખોલનાર સંસ્થાઓએ ઉત્પન્ન કરેલો કચરો તેની સફાઈ કરવાની રહેશે. જે ગિરનાર અભ્યારણ્યમાંથી બહાર લઈ જવાનો રહેશે. વ્યવસાયિક ધંધાના જાહેરાતના હેતુ માટે છાવણી કે તંબુ, રેંકડી, સ્ટોલ રાખવાની સખ્ત મનાઈ ફરમાવવામાં આવી છે. ઘોંઘાટ સાથે અધાર્મિક નાચગાન, પ્રવૃતિની સખ્ત મનાઈ ફરમાવવામાં આવી છે. તેમજ ફટાકડા સ્ફોટક પદાર્થ રેડીયો- સ્પીકરો પણ સાથે લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ગુટકા- તમાકુ, બીડી, પાન, મોવા, સીગરેટ વિગેરેનું વહેંચાણ કરવાનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પ્લાસ્ટીક ઝબલા, બેગની મનાઈ પણ કરવામાં આવી છે. પાણીના સ્ત્રોતમાં સાબુ- સેમ્પુ, ડિટર્જન્ટ પાવડરના ઉપયોગની મનાઈ ફરમાવવામાં આવી છે.
ગિરનારની લીલી પરિક્રમાને માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે પરિક્રમા રૂટ પર સાધુ સંતોનું આગમન થઈ ચુકયું છે. ઉજજૈન, હરિદ્વાર સહિત જુદી જુદી જગ્યાએથી અલગ અલગ અકાડાઓના સાધુ સંતો મહંતો પરિક્રમાના રૂટ પર ધૂણા ધખાવી સમાધી લીન જોવા મળી રહ્યા છે. પરિક્રમા વિધીવત રીતે તા.4-11ને શુક્રવારની રાત્રીના 12 કલાકે જય ગીરનારીના નાદ સાથે પ્રારંભ થશે તે પહેલા અનેક ઉતાવળીયા યાત્રીકો પરિક્રમા રૂટ પર આવી જતા તેઓને જંગલની બહાર મોકલી દેવામાં આવ્યા છે ત્યારે મોટી સંખ્યામાં ભવનાથ તળેટી અને રૂપાયેતન રૂટ પર યાત્રીકો પડાવ નાંખીને બેસી ગયા છે. ખાસ કરીને રૂપાયેતન રોડ પર પરિક્રમાર્થીઓના ધામા જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગની તૈયારીઓ થઈ ચુકી છે. (file photo)