સોમનાથઃ દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ દેવાધિદેવ સોમનાથ દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શિવરાત્રિના દિને સવારે 4:00 વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. જે દરમિયાન સાંજે 6:00 વાગ્યા સુધીમાં 50,000 થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરી દ્વારા પાલખી પૂજન અને ધ્વજા પૂજા કરી મહાશિવરાત્રી મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે રાજ્ય સરકારના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા તેમજ મંત્રી મુળુભાઈ બેરા પણ પૂજન માં જોડાયા હતા અને મહાદેવની ધજા પૂજા કરી ધન્ય થયા હતા. આ મહોત્સવમાં દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને અને પૂજા અર્ચના કરી પુણ્ય અર્જિત કરવા સોમનાથ પહોંચ્યા હતા.
સોમનાથ મહાદેવજીના દર્શન માટે શિવરાત્રિએ ભાવિક-ભક્તો ઉમટી પડ્યા હતા.સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિક્રમ જનક 5000 ભક્તો સાથે 1000 પરિવારોને મારુતિ બીચ ખાતે પંચમહાભૂતનો અનુભવ કરાવતી પાર્થેશ્વર મહાપૂજા કરાવવામાં આવી હતી. માટીનું બનેલું શિવલિંગ સનાતન ધર્મમાં પ્રકૃતિ પ્રેમ અને સ્વચ્છતા તેમજ ત્યાગનું પ્રતિક હોય વેદોક્ત મંત્રોચાર સાથે પૂજન તો કરાવવામાં આવ્યું જ સાથે સાથે શિવજીને પ્રિય આ શ્લોકોનો ભાવાનુંવાદ કરીને દર્શનાર્થીઓને પૂજા પદ્ધતિની તલસ્પર્શી માહિતી પણ આપવામાં આવી હતી. આ પૂજાનો ભાગ બની 1,000 પરિવારો ધન્ય બન્યા હતા. સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવના પ્રતિક રૂપને પાલખીમાં વિરાજમાન કરી ભવ્ય પાલખીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બમ બમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે હજારો શ્રદ્ધાળુ જોડાયા હતા.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયેલી પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. ભારત દેશના શાંતિ સુખાકારી અને વિકાસની પ્રાર્થના સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક માસની કૃષ્ણ ત્રયોદશી પર આ યજ્ઞ કરવામાં આવે છે જે વિશેષ ઉલ્લાસ સાથે મહાશિવરાત્રીના પાવન પરવે પણ કરવામાં આવ્યો હતો. સોમનાથ મંદિરમાં 101 સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી. સાથે સાથે સોમનાથના ઈતિહાસમાં રેકોર્ડ બ્રેક 56 ધ્વજા સોમનાથ મંદિરના શિખર પર આરોહિત કરવામાં આવી હતી. શિવજીને અત્યંત પ્રિય રુદ્રાષ્ટાધ્યાય એટલે કે રુદ્રાભિષેકના 2161 પાઠ કરવામાં આવ્યા હતા. સાથે સાથે આજના દિવસ દરમિયાન કુલ 68 લઘુરુદ્ર યજ્ઞ પણ સંપન્ન થયા હતા. સોમનાથ મહાદેવને પ્રાત:મહાપૂજા બાદ ભસ્મ,પીતાંબર,પુષ્પ, બિલ્વપત્રનો મનમોહક શ્રુંગાર કરાયો હતો .દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી,આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી