Site icon Revoi.in

કચ્છના સફેદ રણનો નજારો માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં

Social Share

ભૂજઃ નાતાલની રજાઓમાં કચ્છમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતુ. જેમાં ઘોરડો ખાતે આવેલા સફેદ રણનો નજારો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. વિશ્વવિખ્યાત સફેદ રણની મોજ માણવા પ્રવાસીઓનાં ધાડાંનાં ધાડાં ઉતરી પડતાં રહેઠાણનાં તમામ સ્થળો હાઉસફુલ થઇ ગયાં હતા. પ્રવાસીઓના પ્રવાહથી ધોરડોના નાના-મોટા ધંધાર્થીઓને પણ ઘરાકીનો તડાકો પડતાં ચહેરા ખીલી’ ઊઠયા હતા.

દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓએ જણાવ્યું હતુ કે,કચ્છ વિશાળ છે તેથી અહીં  ગમે તેટલા પ્રવાસીઓની હોય તો પણ ભીડ નડતી નથી અને ફરી શકાય છે. મુંબઇથી આવેલા એક પરિવારે  જણાવ્યું હતું કે, કોરોના બાદ લાંબી મુસાફરી કરીને કચ્છ પ્રથમ વખત આવ્યાં છીએ, અત્યારે દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત સફેદ રણ જોઇએ ને એકદમ અદ્ભુત અનુભૂતિનો અહેસાસ થઇ રહ્યો છે. પેરાગ્લાઇન્ડિંગ સહિતની વિવિધ એક્ટિવિટીસમાં પણ મોજ પડી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત, દમણથી બે-ત્રણ દિવસ માટે પરિવાર સાથે કચ્છના પ્રવાસે આવેલા મનોજભાઈએ  જણાવ્યું હતું કે, કોરોના સામે તકેદારીનાં પગલાંરૂપે ઘણી જ સાવચેતી રાખીએ છીએ, પરંતુ ફરવાનો આનંદ અનેરો છે. આમ, થોડા દિવસની એક નાની ટ્રીપનું આયોજન કચ્છ તરફ કર્યું, જેમાં માતાના મઢ તથા નારાયણ સરોવરનાં દર્શન કરી હમણાં સફેદ રણ જોવા આવ્યા છીએ. જેવાં વખાણ સાંભળ્યાં હતાં, તેવું જ દિલચશ્પ કચ્છનું સફેદ રણ હોવાનું તેમણે જણાવ્યું હતું. કચ્છના ઘોરડો ખાતે ગઈકાલે તા. 31મીના રોજ 2021ની વિદાય અને 2022ના વર્ષના આગમનને લઈને  રણોત્સવ તરફથી રાત્રે એક સંગીતનો મનોરંજક કાર્યક્રમ યોજાયો હતો..

ક્રિસમસથી જ પ્રવાસીઓનો સફેદ રણ તરફ ધસારો શરૂ થઇ ચૂકયો હતો અને હજુ પણ બેથી ત્રણ દિવસ ધોરડો બાજુના પ્રવાસીઓ માટેનાં બધાં જ રહેઠાણ સ્થળો ફુલ છે.  350ના તંબુવાળી વિશાળ ટેન્ટસિટીના તમામ ટેન્ટ ફુલ છે.  ગેટ વે ઓફ રણ રિસોર્ટના મિયાં હુશેન ગુલબેગ તેમજ સોયબભાઇ મુતવાએ પણ જણાવ્યું હતું કે, અહીંના 40 ભૂંગાં ઉપરાંત ત્રિવેગના 30 ભૂંગાં, 50 ટેન્ટ તથા ગુજરાત ટૂરિઝમનાં તોરણ રિસોર્ટનાં 35 ભૂંગાંમાં હાઉસફુલના પાટિયાં લાગી ગયા હતા. આ ઉપરાંત ભીરંડિયારાથી ધોરડો સુધીનાં નાનાં-મોટાં ભૂંગાં-ટેન્ટવાળા અંદાજે 200 જેટલા હોમ સ્ટે ફુલ થઈ ગયા હતા. દરમિયાન ધોરડોમાં પ્રવાસીઓનાં ધાડાં ઉતરી પડતાં નાના-મોટા વેપારીઓને પણ તડાકો પડયો હતો.