Site icon Revoi.in

સોમનાથ મહાદેવજીના મંદિર નજીક સોસાયટીઓમાં આંટાફેરા મારતો દીપડો પાંજરે પુરાયો

Social Share

વેરાવળઃ સોમનાથ મહાદેવજીના મંદિર નજીકની રહેણાંક સોસાયટી વિસ્તારમાં દીપડો આંટાફેરા મારતા હોવાથી સોસાયટીના સ્થાનિક રહિશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અને આ અંગે વન વિભાગને જાણ કરાતા દીપડાને પકડાવા માટે લોકેશન નક્કી કરીને પાંજરૂ મુકવામાં આવ્યું હતું. દરમિયાન દીપડો પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં દીપડાના આંટાફેરાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ હતો. જો કે દીપડો પાંજરે પુરાતા સ્થાનિકો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

વન વિભાગના સૂત્રોના જમાવ્યા મુજબ સોમનાથ મહાદેવજીના મંદિર નજીકની સોસાયટી વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દીપડાના આંટાફેરા વધ્યા હતા અને છ માસ દરમિયાન ત્રણથી વધુ પશુઓના મારણ પણ કર્યા હતા. રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ હતો. વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા માટે જુદા જુદા સ્થળે પાંજરાઓ ગોઠવવામાં આવ્યા હતા. દરમિયાન વહેલી સવારે પૌરાણિક ગુફા નજીકના પાંજરામાં એક દીપડો પાંજરે પુરાયો હતો. જોકે હજુ એક દીપડો અને 2 બચ્ચા આ વિસ્તારમાં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. ત્યારે આ દીપડાને પણ પાંજરે પુરવા માટે વન વિભાગ દ્વારા સતત જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

વન વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, , થોડા દિવસોમાં સોમનાથ મહાદેવજીના મંદિર નજીક કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાશે. જેમાં હજારોની માનવ વેદની ઉમટતી હોય છે. ત્યારે આ વિસ્તારમાં દીપડાના આંટાફેરાને લઈ વન વિભાગે એલર્ટ બનીને દીપડાને પકડવા માટે પાંજરા મુક્યા હતા. જેમાં પૌરાણિક ગુફા નજીકના પાંજરામાં એક દીપડો પાંજરે પુરાયો હતો  હાલ તો પાંજરે પુરાયેલા દીપડાને વન વિભાગની રેસ્ક્યૂ ટીમે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.