રાજકોટની ભાગોળે આંટાફેરા મારતો દીપડો ઠેર ઠેર પાંજરા મુકાયા છતાં 15 દિવસથી પકડાતો નથી,
રાજકોટ: શહેરની ભાગોળે ઘણા સમયથી દીપડો આંટાફેરા મારી રહ્યો છે. દરમિયાન દીપડાંને પકડવા માટે છેલ્લા પખવાડિયાથી નવ વિભાગ દ્વારા ચારથી પાંચ સ્થળોએ પાંજરા મુકવામાં આવ્યા છે. અને સતત વોચ રાખવામાં આવી રહી છે. પરંતુ ચબરાક દીપડો પાંજરે પુરાતો નથી. હવે તો શહેરના કાલાવાડમાં દીપડો આંટાફેરા મારતો સીસીટીવીમાં કેદ થયો છે. આમ દીપડાની હાજરીને લીધે લોકો રાતના સમયે ઘરની બહાર નિકળતા ડરી રહ્યા છે.
રાજકોટ શહેરના સીમાડા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી દીપડાની દહેશત છે. ત્યારે હવે તો શહેરની સોસાયટી સુધી પહોંચી ગયેલા દીપડાને કારણે શહેરીજનોમાં પણ ફફડાટ ઊભો થયો છે. રાજકોટવાસીઓ મોર્નિંગ વોકિંગ કે રાત્રે બહાર નીકળી શક્તા નથી. શહેરના સીમાડા વિસ્તારમાં પશુપાલકો ખોફ વચ્ચે જીવી રહ્યા છે. માલઢોરને બચાવવા મથામણ કરી રહ્યા છે. પરંતુ દીપડો પાંજરે પુરાવાની જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં હાજરી પુરાવીને શહેરીજનોને ડરાવી રહ્યો છે. દીપડો અત્યાર સુધી ક્યાંય કેમેરામાં કેદ થયો ન હતો. પરંતુ પહેલીવાર એવું બન્યું કે શહેરના કાલાવડ રોડ પર દીપડાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. કાલાવડ રોડ પર આવેલી RPJ હોટલ પાસે દીપડો આંટાફેરા મારતો જોવા મળ્યો હતો. CCTVમાં કેદ થયેલો દીપડો 15 દિવસ બાદ પણ પાંજરામાં કેદ થયો નથી જેના કારણે શહેરીજનોનો ડર વધી ગયો છે.
રાજકોટ શહેરમાં કાલાવડ રોડ, રૈયા વિસ્તાર, રામનગર, મુંજકા, કણકોટ, વગુડળ, કૃષ્ણનગર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જેતપુર અને કેરાળી વિસ્તારમાં દીપડો આંટાફેરા મારતો જોવા મળ્યો છે. તમામ જગ્યાએ વન વિભાગે પાંજરા ગોઠવી દીધા છે. પરંતુ હોશિયાર દીપડો વન વિભાગને મુકેલા પાંજરે પુરાતો નથી. દીપડાની ઉંમર 3થી 4 વર્ષ હોવાનો અંદાજ છે. જો કે હજુ સુધી કોઈ માનવ હુમલાની ઘટના સામે આવી નથી. પરંતુ માલઢોરને નુકસાન પહોંચાડ્યું છે.