Site icon Revoi.in

અમરેલીના ખાંભા તાલુકાના પીપરીયા ગામની સીમમાં ખૂલ્લા કૂવામાં દીપડો પડતા રેસ્ક્યુ કરાયુ

Social Share

અમરેલીઃ જિલ્લામાં સિંહ અને દીપડાંની વસતીમાં વધારો થયો છે. જિલ્લાના રાજુલા, પીપાવાવ, જાફરાબાદ, સાવરકૂંડલા, ધારી, લીલીયા સહિતના વિસ્તારોમાં વનરાજોએ પોતાનું નવું આશ્રયસ્થાન બનાવ્યું છે. રાતના સમયે સિંહ અને દીપડાં શિકારની શોધમાં સીમ વિસ્તારોમાં આંટાફેરા મારતા હાય છે. જેમાં વાડી અને ખેતરોમાં ખૂલ્લા કૂવાઓમાં સિંહ કે દીપડાં અકસ્માતે પડી જવાના બનાવો પણ બનતા હોય છે. ગઈકાલે ખાંભાના પીપરીયા ગામે દીપડો રાતના સમયે અકસ્માતે એક ખૂલ્લા કૂવામાં ખાબક્યો હતો. સવારે આ અંગે ખેડુતને જાણ થતાં તેમને વન વિભાગને જાણ કરી હતી. અને વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ દીપડાંને કૂવામાંથી બહાર કાઢ્યો હતો.

ખાંભા તાલુકાના પીપરીયા ગામની સીમમા ગઈકાલે રાતના સમયે એક ખુલ્લા કૂવામા અકસ્માતે દીપડો પડી જતા વન વિભાગની ટીમ  દોડી ગઇ હતી અને આ દીપડાને સહી સલામત બહાર કાઢી સારવાર માટે એનીમલ કેર સેન્ટરમાં ખસેડાયો છે.

અમરેલી જિલ્લામા ગીરકાંઠાના વિસ્તારમા હજુ પણ અનેક વાડીઓમા ખુલ્લા કૂવાઓ છે. કાંઠા બાંધ્યા વગરના આ ખુલ્લા કૂવાઓ વન્યપ્રાણીઓ માટે જોખમી સાબિત થઇ રહ્યાં છે. તુલસીશ્યામ રેંજમા રબારીકા રાઉન્ડ નીચે આવતા પીપરીયા ગામની સીમમા દીપડા માટે એક આવો જ ખુલ્લો કૂવો  જોખમી બન્યો હતો. ખેડુત જગદીશભાઇ દુલાભાઇ સાવલીયાની વાડીમા આશરે છ માસનો દીપડો ખુલ્લા કૂવામા ખાબકયો હતો.

આ અંગે વનવિભાગની ટીમને જાણ કરવામા આવતા રેસ્કયુ ટીમ પાંજરા અને દોરડા સાથે અહી પહોંચી હતી અને કૂવામાથી દીપડાને સહી સલામત બહાર કાઢી પાંજરે પુર્યો હતો. બાદમા આ દીપડાને સારવાર માટે જસાધાર એનીમલ કેર સેન્ટરમા ખસેડવામા આવ્યો હતો. બીજી તરફ આવા ખુલ્લા કૂવા વન્યપ્રાણીઓ માટે જોખમી હોય વનવિભાગે આવા ખુલ્લા કૂવાઓ બાંધી લેવા અપીલ કરી હતી. (File photo)