Site icon Revoi.in

રાજુલાના કોવાયા ગામે રહેણાંકના મકાનમાં સિંહ પરિવાર ઘૂંસી આવ્યું

Social Share

અમરેલીઃ જિલ્લામાં સિંહોની વસતી વધતી જાય છે. જેમાં રાજુલા, સાવરકૂંડલા, ધારી, લીલાયા, જાફરાબાદ સહિતના વિસ્તારોમાં સીમ-ખેતર વાડીમાં ગમે ત્યાં સિંહ જોવા મળે છે. દરમિયાન રાજુલા તાલુકાના કોવાયા ગામમાં એક રહેણાંક મકાનમાં સિંહ પરિવાર ઘૂસી આવ્યો હતો. સુરેશભાઈ અગ્રવાતના રહેણાંક મકાનમાં અડધી રાતે સિંહ પરિવાર દીવાલ ઉપર છલાંગ લગાવી અંદર પ્રવેશ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો છે.

રાજુલા તાલુકાના કોવાયા ગામમાં એક રહેણાંક મકાનમાં સિંહ પરિવાર ઘૂસી આવ્યો હતો. અને મકાનમાં ઓરડામાં સુતેલો પરિવાર સિંહના આટાંફેરાના અવાજથી જાગી ગયો હતો. અને સિંહ પરિવારનો વિડિયો ઉતાર્યો હતો. એક સિંહ પરિવારે દીવાલ ઉપર છલાંગ લગાવી એક રહેણાંક મકાનમાં આખો સિંહ પરિવાર ઘૂસી જાય છે. જે બાદ ત્યા જ લટાર મારે છે. જોકે, રૂમના દરવાજા બંધ હતા જેથી રૂમની અંદર તો સિંહ જઈ શક્યા ન હતા. આ દરમિયાન પરિવારે તેના પાડોશીને જાણ કરતા  આસપાસના લોકો જાગી ગયા હતા. અને દોડી આવ્યા હતા. લોકોએ હાકલાં પડકારા કરીને મકાનની ડેલી ખોલી દેતાં સિંહ પરિવાર છલાંગો મારી બહાર નીકળી જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

રાજુલા તાલુકાનું કોવાયા ગામ વનરાજોને પસંદ પડી ગયું હોય તેમ અવાર-નવાર વનરાજો ગામની મુલાકાતે આવી રહ્યા છે. હજુ બે  દિવસ પહેલા 12 જેટલા સાવજનું ગ્રુપ કોવાયા ગામના માર્ગ ઉપર દોડધામ કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો પણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સિંહની અવર જવર વધતા હવે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.