Site icon Revoi.in

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહણે પાંચ સિંહબાળને આપ્યો જન્મ

Social Share

જૂનાગઢઃ શહેરના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં  અગાઉ 3 સિંહ બાળને જન્મ આપનાર ડી 9 સિંહણે વધુ 5 સિંહ બાળને જન્મ આપ્યો છે. આ સાથે સક્કરબાગમાં 1 વર્ષમાં જન્મનાર સિંહ બાળની સંખ્યા 24 એ પહોંચી છે. 1 વર્ષમાં એનીમલ એક્ષ્ચેન્જ હેઠળ 9 સિંહને અન્ય સ્થળે મોકલાયા છે.

આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના RFO એ જણાવ્યું હતું કે, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ડી નાઇન સિંહણ અને એ વન સિંહના મેટીંગથી  વ્હેલી સવારે 5 સિંહ બાળનો જન્મ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડી નાઇન સિંહણે અગાઉ 3 સિંહ બાળને જન્મ આપ્યો હતો. આ સિંહણ અત્યાર સુધીમાં 8 સિંહ બાળની માતા બની છે. ડી નાઇન સિંહણ અને એવન સિંહ બન્ને વર્ષો પહેલા સક્કરબાગમાં જન્મ્યા હતા.ખાસ કરીને એકી સાથે 5 સિંહ બાળનો જન્મ એ રેરેસ્ટ ઓફથી રેર કેસમાં ગણાય છે. એક વર્ષમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 24 સિંહ બાળનો જન્મ થયો છે. સામે એનીમલ એક્ષ્ચેન્જ હેઠળ એક વર્ષમાં 6 સિંહ પટના અને 3 દિલ્હી મળી કુલ 9 સિંહોને અન્ય સ્થળે મોકલાયા છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહના એક્સચેન્જ સામે અનેક પ્રાણીઓ મેળવવામાં આવ્યા છે. પ્રાણીસંગ્રહાલયમાં રહેતા સિંહોને પણ અહીંનું વાતાવરણ માફક આવી ગયું છે. અને પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓ પણ સિંહની રખેવાળી સહિત સારીએવી માવજત કરી રહ્યા છે. સિંહ-સિંહણના મેટિંગ દરમિયાન તેને કોઈ ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. કારણ કે, સિંહ મેટિંગ દરમિયાન કોઈ ખલેલ સહન કરતો નથી. હાલ વન કર્મચારીઓ સિંહબાળને ખોરાકથી લઈને તેની તમામ દેખરેખ રાખી રહ્યા છે.